ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 10 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈના મેયર કિશોરી પેડણેકરને જાનથી મારી નાખવાની ધમકી મળતા પ્રશાસન દોડતું થઈ ગયું છે. મુંબઈ મહાનગરપાલિકાના મુખ્યાલયમાં બેસતા મેયરની સુરક્ષામાં તેને પગલે વધારો કરવામાં આવ્યો છે.
ભાજપના વિધાનસભ્ય આશિષ શેલાર અને કિશોરી પેડણેકર વચ્ચે વિવાદાસ્પદ ભાષાનો ઉપયોગ કરવા બદલ વિવાદ ચાલી રહ્યો છે ત્યારે મેયરને મળેલા નનામી ધમકીભર્યા પત્રને કારણે રાજકીય સ્તરે આ વિવાદ વધુ વકરે એવી શક્યતા છે.
મેયરને મળેલા ધમકીભર્યા પત્રમાં મેયર માટે અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમ જ મેયરના પરિવારને પણ ગોળીથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ પ્રકરણમાં મેયરે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમ જ પરિવારને પોલીસ સંરક્ષણ આપવાની પણ તેમણે માંગણી કરી હોવાનું કહેવાય છે.
આરે કોલોની રસ્તા સિમેન્ટ ક્રોંક્રીટના બનાવવાની પાલિકાની યોજના આડે આવ્યા પર્યાવરણવાદીઓ; જાણો વિગત
ગુરુવારે સાંજે આ પત્ર મેયરના ભાયખલામા આવેલા બંગલે મળ્યો હતો. પનવેલથી આ પત્ર કુરિયરમાં મોકલવામા આવ્યો છે. પત્રમાં ખારઘર, પનવેલ અને ઉરણ જેવા સ્થળોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જૂન મહિનામાં ફોન પર કિશોરી પેડણેકરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. હવે ફરી નનામો પત્ર મેયર બંગલા પર આવ્યો છે.