ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
કોરોના મહામારીના સમયમાં મુંબઈ મહાનગરપાલિકાની કામચોરી સામે આવી છે. શહેરમાં નવેમ્બર મહિનાથી ઑક્સિજન સપ્લાયરનો કૉન્ટ્રૅક્ટ પૂરો થઈ ગયો હતો અને હવે છેક છ મહિના બાદ મુંબઈ મહાનગરપાલિકા નવો કૉન્ટ્રૅક્ટર અપૉઇન્ટ કરવા જઈ રહી છે. જૂનો કૉન્ટ્રૅક્ટ પૂરો થયા બાદ એ જ કંપનીઓ પાસેથી લિક્વિડ ઑક્સિજન ખરીદવામાં આવતો હતો.
ઑક્સિજન સપ્લાય માટે જે કૉન્ટ્રૅક્ટર પસંદ કરવામાં આવ્યો છે એ માત્ર હૉસ્પિટલો અને મેટરનિટી હોમ્સમાં જ ઑક્સિજનની સપ્લાય કરશે. નોંધવા જેવી વાત એ છે કે આ કૉન્ટ્રૅક્ટમાં જમ્બો કોવિડ સેન્ટરનો સમાવેશ જ કરવામાં નથી આવ્યો. નવેમ્બર ૨૦૨૦માં મેડિકલ ઑક્સિજન અને નાઇટ્રોજન ઑક્સાઇડ સપ્લાય કરવા માટેનો કૉન્ટ્રૅક્ટ પૂરો થવાનો હતો અને એ માટે બીએમસીએ ઑક્ટોબર મહિનામાં જ નવાં ટેન્ડર મગાવ્યાં હતાં. જોકે આ સમયગાળા દરમિયાન ઑક્સિજનની સખત અછત હોવાને કારણે ટેન્ડરના કામકાજમાં વિલંબ થયો હતો.
બીજી બાજુ, અનેક દર્દીઓ ઑક્સિજનની અછતના લીધે મૃત્યુ પામી રહ્યા હતા જ્યારે કેટલાક દર્દીઓને જમ્બો કોવિડ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમયગાળામાં હૉસ્પિટલોને રામભરોસે ઑક્સિજન સપ્લાય કરવામાં આવતો હતો. નવા ટેન્ડર મુજબ આઇનોક્સ ઍર પ્રોજેક્ટ લિમિટેડ અને સત્રામદાસ ગૅસીસ પ્રાઇવેટ લિમિટેડને કુલ ૩૧.૫૧ કરોડ રૂપિયાના કૉન્ટ્રૅક્ટ આપવામાં આવ્યા છે.