ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 સપ્ટેમ્બર, 2021
શુક્રવાર
બોગસ ડિગ્રી સાથે પ્રમોશન મેળવનારા એન્જિનયરને નિલંબિત કરવાનો 2015માં મુંબઈ મનપા કમિશનરે આદેશ આપ્યો હતો. તેની સામે પાલિકાના હાઉસે નિલંબિત કરવાને બદલે તેનું ડિમોશન કરવાનો નિર્ણય લીધો હતો. પાંચ વર્ષ બાદ પણ તેની સામે પાલિકા કોઈ પગલાં લઈ શકી નહોતી. છેવટે તે એન્જિનિયર રિટાયર્ડ થઈ ગયો. હવે રહી રહીને પાલિકા પ્રશાસન જાગી છે અને હવે સંબંધિત એન્જિનિયરનું પેન્શન કાયમી સ્વરૂપે બંધ કરવાનો નિર્ણય લીધો છે.
સ્ટૉર્મવૉટર ડ્રેનેજ લાઇનમાં ડેપ્યુટી ચીફ એન્જિનયર તરીકે સુનીલ મદને કામ કરતો હતો. એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે પ્રમોશન મેળવવા માટે તેણે બુંદેલખંડ યુનિવર્સિટીનું બોગસ સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. આ બનાવ પ્રકાશમાં આવતાં તેને મે 2014માં ફરજ પરથી નિલંબિત કરીને ડિપાર્ટમેન્ટ ઇન્ક્વાયરી કરવામાં આવી હતી. તેના પર આરોપ સિદ્ધ થતાં કમિશનરે તેને 2015માં નોકરીમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો હતો. જોકે હાઉસે આ નિર્ણયને રદ કરીને તેનું ડિમોશન કરવાનો નિર્ણય લીધો હતો. જોકે પાલિકા પ્રશાસનની બેદરકારીને કારણે સુનીલ મદનેને કોઈ સજા થઈ શકી નહોતી. છેવટે 2019માં તે રિટાયર્ડ થઈ ગયો હતો.
આ દરમિયાન પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલે સુનીલ મદનેનું પેન્શન રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમ જ 29 મે, 2014થી 30 એપ્રિલ, 2019 સુધીના સસ્પેન્શનને રદ નહીં કરવાનો આદેશ પણ આપ્યો છે. તેને લગતો પ્રસ્તાવ સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવવાનો છે.