ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૬ જુલાઈ ૨૦૨૧
મંગળવાર
બનાવટી વેક્સિન કૌભાંડ બહાર આવ્યા બાદ તપાસમાં મુંબઈમાં 2,500 લોકોને નહીં પણ 4,000થી વધુ લોકોને બનાવટી રસી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. પાલિકા અત્યાર સુધી 2,500 લોકોને જ વેક્સિનને બદલે ગ્લુકોઝનું પાણી આપવામાં આવ્યું હોવાનો દાવો કરી રહી હતી. જોકે કેસમાં પકડાયેલા આરોપીએ પોલીસ સમક્ષ કરેલી કબૂલાત મુજબ 4,000થી વધુ લોકોને તેઓ બનાવટી રસી આપી હતી.
પાલિકાએ આ કેસમાં દોષી કાંદિવલીની ચારકોપમાં આવેલી શિવમ્ હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરીને હૉસ્પિટલને સીલ કરી નાખી છે. કાંદિવલીની હીરાનંદાની હેરિટેજમાં બનાવટી વેક્સિનેશન કૌભાંડ બહાર આવ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધી 13થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ ટોળકીએ મુંબઈ મેટ્રોપોલિટન રીજનમાં 4,000થી વધુ નાગરિકોને વેક્સિન આપી હોવાની કબૂલાત કરી છે. શિવમ્ હૉસ્પિટલ 5 માર્ચથી 28 એપ્રિલ સુધી પ્રાઇવેટ કોવિડ વેક્સિનેશન સેન્ટર તરીકે કામ કરતી હતી. હૉસ્પિટલમાં સત્તાવાર રીતે 16,000થી વધુ લોકોએ વેક્સિન લીધી હતી. હૉસ્પિટલ મૅન્યુફૅક્ચરર પાસેથી વધારાના એક લાખ ડોઝની ખરીદી કરવામાં માગતી હતી. જોકે પૈસા ભેગા નહીં થઈ શકતાં હૉસ્પિટલે નકલી વેક્સિનેશનનું કૌભાંડ ચાલુ કરી દીધું હતું.
પોલીસની તપાસ મુજબ શિવમને મલાડ મેડિકલ ઍસોસિયેશનના એક ભૂતપૂર્વ સભ્યની મદદથી પ્રાઇવેટ વેક્સિનેશન કૅમ્પ માટે બુકિંગ લેવાનું ચાલુ કર્યુ હતું. વેક્સિન ખરીદવા પૈસા નહોતા, પરંતુ બુકિંગ લીધાં હતાં એટલે તેઓએ શિવમ્ હૉસ્પિટલમાં ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા ડૉ. મનીષ ત્રિપાઠી અને હૉસ્પિટલના માલિકના પરિવારના સભ્યે કૅમ્પસમાં વેક્સિનને બદલે સલાઇન આપવાનું નક્કી કર્યું હતું. એ માટે તેઓએ ટ્રાયલ પણ લીધી હતી. આ ટોળકીએ લગભગ 9 જેટલા વેક્સિનેશન કૅમ્પમાં વેક્સિનને બદલે સલાઇન વૉટર આપ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
