ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જુલાઈ 2021
શનિવાર.
બનાવટી વેક્સિન કૌભાંડ બહાર આવ્યા બાદ મુંબઈમાં 2,600 લોકોને રસીને બદલે ગ્લુકોઝનું પાણી આપવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં દોષી કાંદિવલીની ચારકોપમાં આવેલી શિવમ્ હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરવાની સૂચના મુંબઈ પોલીસે આપી હતી. એ મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ શુક્રવારે આ હૉસ્પિટલને સીલ કરી નાખી હતી.
કાંદિવલીની હીરાનંદાની હેરિટેજમાં બનાવટી વેક્સિનેશન કૌભાંડ બહાર આવ્યા બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો. અત્યાર સુધી 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે, તો બોરીવલી, વર્સોવા, ખાર, ભોઈવાડા, બાંગુરનગર, અંધેરી તથા થાણે પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે ગુના પણ નોંધાયા છે. પોલીસ તપાસમાં વેક્સિનનો પુરવઠો શિવમ્ હૉસ્પિટલે કર્યો હોવાનું બહાર આવ્યું હતું.
વેક્સિનની ખાલી બાટલીમાં પાણી અથવા ગ્લુકોઝ ભરીને એ વેક્સિનના નામ પર આપવામાં આવી હતી. આ પ્રકરણમાં વધુ તપાસ ચાલી રહી છે, પરંતુ પોલીસની ભલામણને આધારે પાલિકા પ્રશાસને શુક્રવારે શિવમ્ હૉસ્પિટલનું લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા ચાલુ કરી નાખી છે તેમ જ હૉસ્પિટલને પણ સીલ કરી નાખવામાં આવી છે.