ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
29 ડિસેમ્બર 2020
મુંબઈ માધ્યમિક શાળા વિભાગ દ્વારા નવમા થી બારમા ધોરણ સુધી ના વર્ગો શરૂ કરવાની તજવીજ ચાલી રહી છે. આગામી ૨૬ જાન્યુઆરીને પ્રજાસત્તાક દિને આ વર્ગો શરૂ કરવાની તૈયારી મુંબઈ મહાનગરપાલિકા શિક્ષણ વિભાગ કરી રહ્યું છે. જોકે આ અંગે હજુ આખરી નિર્ણય આજકાલમાં લેવાની શક્યતા છે.
ગયા કેટલાક મહિનાઓથી મુંબઈ અને આસપાસના પરિસરમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જેથી મુંબઈ સહિત થાણા, રાયગઢ જિલ્લામાં ૯ થી ૧૨ ના વર્ગો શરૂ કરવાની શક્યતા સેવાઇ રહી છે. આ અંગે શાળા વિભાગ બધી રીતે સજ્જ છે, માત્ર અંતિમ નિર્ણય મનપા કમિશનરે લેવાનો છે.
મુંબઇ થાણા પાલઘર અને અન્ય જિલ્લામાં કોરોના ના કેસો માં ઘણો ઘટાડો જણાતા દિવાળી બાદ 23 નવેમ્બર થી જ ૯ થી ૧૨ ધોરણની શાળા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ શાળામાં દાખલ થઇ ચુક્યા છે. પરંતુ મૂળ મુંબઈ શહેરમાં કોરોનાનો વ્યાપ જોતા શાળા શરૂ કરવામાં આવી ન હતી. સાથે જ વિદ્યાર્થીઓના વાલીઓ પણ શાળા શરૂ થાય એમ ઇચ્છતા ન હતા. પરંતુ હવે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ તરફથી કોરોના ને લઇ સાંત્વના મળતા શહેરમાં ૯ થી ૧૨ ના વર્ગો શરૂ કરવાની તૈયારી મુંબઈ કમિશનર કરી રહ્યા છે. એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે..
