ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧
ગુરુવાર
કોરોના રસીની થતી અછત વચ્ચે મુંબઈમાં અપાયેલી રસીની ખાલી શીશી અંગે એક ગંભીર સમસ્યા સામે આવી છે. મુંબઈમાં વપરાયેલી લગભગ પાંચ લાખ રસીની શીશીનો નિકાલ કઈ રીતે થયો એનો કોઈ હિસાબ નથી. એથીહવે મેડિકલ સિસ્ટમ સામે એક નવો પડકાર ઊભો થયો છે. મુંબઈમાં થયેલા બોગસ રસીકરણમાં વપરાયેલી રસીની શીશીઓમાં બીજું દ્રવ્ય ભરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. એવામાં સવાલએ છે કે આરોપીઓને આ ખાલી શીશીઓ ક્યાંથી મળી.
તબીબી નિયમો અનુસાર, ઉપયોગ કર્યા પછી આ શીશીઓને તબીબી કચરા તરીકે નિકાલ કરવો ફરજિયાત છે. જોકેહવે બોગસ રસીકરણને કારણે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ શીશીઓનો ખરેખર નિકાલ કરવામાં આવ્યો હતો? આ સિવાય સરકારની એજન્સીઓ પાસે આ વિશે કોઈ હિસાબ નથી. આજની તારીખમાં, મુંબઈમાં એવી ચાર લાખ 88 હજારથી વધુ શીશીઓ છે જેનું શું થયું એનો કોઈ હિસાબ નથી. હવે એની તપાસ કરવામાં આવી રહી છે કે શું નિયમો અનુસાર આ ખાલી શીશીઓનો નાશ કરાયો હતો કે નહિ. આ અંગે મહાનગરપાલિકાએ તમામ હૉસ્પિટલો પાસેથી માહિતી માગી છે.
ઉલ્લેખનીય છે કે નિયમ અનુસાર તબીબી કચરાનો નિકાલ ખુલ્લામાં થઈ શકે નહિ અને શહેરના અન્ય કચરા સાથે એને રાખી શકાય નહીં. એથી ભઠ્ઠીમાં તબીબી કચરો બાળીને એનો નાશ કરવો ફરજિયાત છે.