News Continuous Bureau | Mumbai
Mumbai News: દીવાળી (Diwali) દરમિયાન અંધેરી (Andheri) ના ગોખલે પુલ (Gokhale Bridge) ની એક લેન ખુલ્લી મૂકવાની ડેડલાઈન ચૂકી ગયેલી મુંબઈ મહાનગરપાલિકા (BMC) વાહનોની અવરજવર માટે ડિલાઈલ પુલ (Delisle Bridge) ને સંપૂર્ણપણે ખુલ્લો મૂકવાનું વિચારી રહી છે. નોંધનીય છે કે ગણેશોત્સવોના તહેવાર દરમિયાન પાલિકાએ લોઅર પરેલને કરી રોડ સાથે જોડતા પુલની બીજી તરફનો ડાબી તરફનો હિસ્સો રાજકીય દબાણ હેઠળ ખુલ્લો મૂક્યા બાદ સંર્પૂણરીતે આ પુલ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવા માટે પાલિકા પર ભારે દબાણ રહ્યું હોવાનું માનવામાં આવે છે.
વરલીના વિધાનસભ્ય અને શિવસેના (Uddhav Thackeray) ના નેતા આદિત્ય ઠાકરે (Aditya Thackeray) તથા સ્થાનિક વિધાનસભ્ય સુનિલ શિંદેએ શુક્રવારે પુલની સાઈટની વિઝિટ બાદ ૧૦ નવેમ્બર સુધીમાં ડિલાઈલ રોડ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે એવું પાલિકાએ તેમને આશ્ર્વાસન આપ્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે પાલિકાના પુલ ખાતના ઉચ્ચ અધિકારીના કહેવા મુજબ પુલનું મોટાભાગનું કામ પતી ગયું છે, પરંતુ તે દિવાળી પહેલા કે દિવાળી બાદ ખુલ્લો મૂકવો તે હજી નક્કી કરવાનું બાકી છે.
આ સમાચાર પણ વાંચો : RBI: આ સરકારી બોન્ડમાં કરો રોકાણ… મળશે મોટી-મોટી બેંકોની FD કરતાં પણ વધુ વ્યાજ.. જાણો કઈ રીતે કરી શકો છો રોકાણ..
નવેમ્બરના બીજા અઠવાડિયામાં આખો પુલ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાની પાલિકાની યોજના…
પાલિકાએ પહેલી જૂન, ૨૦૨૩ના રોજ પુલનો એક તરફનો હિસ્સો ખુલ્લો મુકયો હતો, જે જી. કે. માર્ગને એન.એમ.જોશી માર્ગ સાથે જોડે છે. એન.એમ. જોશી તરફના પુલ માટે જુલાઈની સમયમર્યાદા લંબાવીને ૧૫ ઑગસ્ટ કરવામાં આવી હતી. બાદ તે સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.
કૉંક્રીટકરણ, પાણીના ટેન્કરની હડતાલ, સ્ટીલના પુરવઠાનો અભાવ જેવા જુદા જુદા કારણથી પુલના કામમાં વિલંબ થઈ રહ્યો હતો. નાગરિકોની નારાજગી અને રાજકીય દબાણને કારણે પુલની બીજા તરફના હિસ્સાનો ડાબો ભાગ જે લોઅર પરેલને કરી રોડ સાથે જોડે છે, તે ગણેશોત્સવના એક દિવસ પહેલા ૧૮ સપ્ટેમ્બરના વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. હવે નવેમ્બરના બીજા અઠવાડિયામાં આખો પુલ ટ્રાફિક માટે ખુલ્લો મૂકવાની પાલિકાની યોજના છે.
નોંધનીય છે કે પશ્ર્ચિમમાં ડિલાઈલ પુલ લોઅર પરેલ, વરલી, પ્રભાદેવી અને કરી રોડ તો પૂર્વમાં ભાયખલા અને અન્ય વિસ્તારો માટે મહત્ત્વની લિંક ગણાય છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટૅક્નોલોજી બામ્બે દ્વારા તેને જોખમી જાહેર કર્યા બાદ ૨૪ જુલાઈ, ૨૦૧૮ના રોજ તેને ટ્રાફિક માટે બંધ કરી દેવામાં આવ્યો હતો.