News Continuous Bureau | Mumbai
Ganesh Visarjan 2025: મુંબઈ પોલિસે દાવો કર્યો હતો કે આ વર્ષે વિસર્જન દરમ્યાન સઘન વ્યવસ્થા રાખવામાં આવી છે. આ ઉપરાંત સીસીટીવી અને એ. આઈ નો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. જોકે પોલીસના આ દાવા પછી પણ વિસર્જન દરમ્યાન મોટાપાયે ચોરીની ઘટનાઓ સામે આવી છે. વિસર્જન યાત્રામાં લાખો ભક્તોની વિશાળ ભીડ ઉમટી પડી હતી, ભક્તો પોતાના પ્રિય ભગવાનની એક ઝલક મેળવવા માટે ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે, આ ભક્તિમય માહોલ વચ્ચે, કેટલાક બદમાશોએ ભીડનો લાભ ઉઠાવ્યો, જેના પરિણામે અનેક ભક્તો ચોરીનો ભોગ બન્યા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષની વિસર્જન યાત્રા દરમિયાન 100 થી વધુ મોબાઈલ ફોન ચોરીના બનાવો નોંધાયા છે. ખાસકરીને કાલચોકી પોલીસ સ્ટેશનમાં પોલીસે અત્યાર સુધીમાં 10 કેસ સત્તાવાર રીતે નોંધ્યા છે, જેમાંથી 4નો ઉકેલ લાવી 4 ચોરાયેલા ફોન પાછા મેળવવામાં આવ્યા છે. આ કેસોના સંબંધમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
આ સમાચાર પણ વાંચો : Trump Tariffs: ટ્રમ્પની ટેરિફ નીતિ ઉલટી પડી! દેશ ની આ મહત્વની સેવા જ થઇ ઠપ્પ
મોબાઈલ ચોરી સિવાય, સોનાની ચેઈન સ્નેચિંગના પણ નોંધપાત્ર બનાવો સામે આવ્યા છે. પોલીસે પુષ્ટિ કરી કે આવા સાત કેસ નોંધાયા હતા, જેમાંથી છનો ઉકેલ લાવવામાં આવ્યો છે. બે સોનાની ચેઈન પાછી મેળવવામાં આવી છે અને 12 આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દરમિયાન, ભોઈવાડા પોલીસે ડ્રોનના ઉપયોગ સંબંધિત કેસ પણ નોંધ્યા છે. લગભગ 50 મોબાઈલ ચોરીની ફરિયાદો તપાસ હેઠળ છે, અને ગુનેગારોને શોધી કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
દર વર્ષની જેમ, મોબાઈલ ચોર અને ચેઈન સ્નેચરની સંગઠિત ગેંગો વિસર્જન યાત્રામાં સક્રિય હતી, ખાસ કરીને લાલબાગ વિસ્તારમાં, જ્યાં સેંકડો ભક્તો તેમની યુક્તિઓનો શિકાર બન્યા. ગાઢ ભીડ, સતત ધક્કામુક્કી અને ભક્તોનું એકબીજાથી અલગ થવું બદમાશોને સરળ તક પૂરી પાડી હતી.
ગણેશોત્સવ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ તૈનાતી વધારવામાં આવી હોવા છતાં, આ ઘટનાઓએ ગંભીર ચિંતા ઉભી કરી છે. પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે આવા ભીડવાળા ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપતી વખતે સતર્ક રહે અને પોતાના મોબાઈલ ફોન, ઘરેણાં અને કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખે.