ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જૂન 2021
બુધવાર
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે, પરંતુ ચોમાસાજન્ય બીમારીઓ હવે માથું ઊંચકી રહી છે. ગૅસ્ટ્રો તથા લેપ્ટોસ્પાયરોસિસ જેવી બીમારીઓના કેસમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. છ મહિનામાં જ મુંબઈમાં ગૅસ્ટ્રોનાં 1,144 કેસ નોંધાયા છે. એથી BMCએ નાગરિકોને ચોમાસામાં રસ્તા પરના ખાદ્ય પદાર્થ નહીં ખાવાની અપીલ કરી છે.
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવવાની સાથે જ અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. એમાં હૉટેલો સહિત તથા બહારના ખાદ્ય પદાર્થ વેચવાની પણ મંજૂરી મળી ગઈ છે. એથી લોકોનું બહાર ખાવાનું પ્રમાણ પણ વધી ગયું છે. ચોમાસામાં બહારના ખાદ્ય પદાર્થનું સેવન કરવું જોખમી હોય છે. બહારના ખાદ્ય પદાર્થ ખાવાથી ગૅસ્ટ્રો જ નહીં, પણ કોરોના થવાનું પણ જોખમ રહેલું છે. દૂષિત અન્ન અને પાણીને કારણે ગૅસ્ટ્રો થતો હોય છે, જેમાં તાવ, ઊલટી તથા જુલાબની તકલીફ થાય છે.
મુંબઈ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતાના કહેવા મુજબ છ મહિનામાં ગૅસ્ટ્રોના 1,144 કેસ તો લેપ્ટોસ્પાયરોસિસના 48, ફ્લૂના 1,000 કેસ નોંધાયા છે.