ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 નવેમ્બર, 2021
મંગળવાર
UAEમાં ICC T-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. હાર બાદ બહાર થઈ ગયેલી ટીમ ઈન્ડિયા સ્વદેશ પરત ફરી હતી. ટીમ સાથે હાર્દિક પંડ્યા પણ રવિવારે મોડી રાત્રે ઘરે પરત ફર્યો હતો, પરંતુ આ દરમિયાન મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ તેને અટકાવીને પંડ્યાની બે ઘડિયાળો ડિટેઇન કરી હતી. હાર્દિક પંડ્યાએ મુંબઈ કસ્ટમ વિભાગ દ્વારા બે ઘડિયાળો જપ્ત કરવા અંગે સ્પષ્ટતા આપતી ટ્વીટ કરી છે.
હાર્દિક પંડ્યાએ ટ્વીટમાં સફાઈ આપતા કહ્યું છે કે હું સ્વેચ્છાએ મુંબઈ એરપોર્ટના કસ્ટમ કાઉન્ટર પર મારી સાથે લાવેલા સામાન વિશે જાણ કરવા અને જરૂરી કસ્ટમ્સ ડ્યુટી ચૂકવવા ગયો હતો. પોતાના નિવેદનમાં તેણે એમ પણ કહ્યું હતું કે જે ઘડિયાળની કિંમત બાબતે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી રહી છે. તેની કિંમત વાસ્તવમાં 1.5 કરોડ છે. પાંચ કરોડ રૂપિયા નથી.
એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ કસ્ટમ વિભાગ દ્વારા ક્રિકેટર હાર્દિક પંડ્યાની 5 કરોડની કિંમતની 2 ઘડિયાળો જપ્ત કરવામાં આવી ત્યારે હાર્દિક પંડ્યાને કસ્ટમ વિભાગે ઘડિયાળ વિશે પૂછપરછ કરી. જેમાં અધિકારીઓને સંતોષકારક જવાબ મળ્યો ન હતો. કસ્ટમ અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે હાર્દિક પંડ્યા પાસે આ ઘડિયાળોના ઈન્વોઈસ નથી કે ન તેણે આ ઘડિયાળોને જાહેર કરી છે.
અગાઉ નવેમ્બર 2020માં હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યા પાસેથી પણ લક્ઝરી ઘડિયાળો મળી હતી. ત્યારબાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ તેને રોક્યો હતો. ત્યારબાદ આ કેસ કસ્ટમ વિભાગને સોંપવામાં આવ્યો હતો.
