ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 જુલાઈ, 2021
સોમવાર
લાંબા સમયથી ગાયબ થઈ ગયેલા વરસાદનું ફરી આગમન થયું છે. અષાઢી બીજના દિવસે વર્ષોથી વરસાદ પડવાની પરંપરા કાયમ રાખતો હોય એમ સવારથી જ મુંબઈના અનેક વિસ્તારોમાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘરમાં 15 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક મુંબઈ સહિત થાણે અને પાલઘરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
વહેલી સવારથી જ મુંબઈ, થાણે સહિતની આજુબાજુના વિસ્તારમાં કાળાં ડિબાંગ વાદળાં છવાયેલાં હતાં. 11 વાગ્યા બાદ મુંબઈના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે જ જોરદાર વરસાદનાં ઝાપટાં પડી ગયાં હતાં. જેમાં ફોર્ટ, ચર્ચગેટ, દાદર, બાંદરા, બોરીવલી, દહિસર તો પૂર્વ ઉપનગરમાં ઘાટકોપર, વિક્રોલી, કુર્લામાં જોરદાર વરસાદ પડી ગયો હતો. એવી જ પરિસ્થિતિ થાણે, નવી મુંબઈમાં પણ જોવા મળી હતી.
સવારથી જ અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન ખાતાએ મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેમ જ 15 જુલાઈ સુધી અહીં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ 15 જુલાઈ સુધી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જેમાં રાયગડ, રત્નાગિરિ, સતારા, કોલ્હાપુર, સિંધુદુર્ગ જિલ્લાનો સમાવેશ થાય છે.
સવારના 24 કલાક દરમિયાન દક્ષિણ મુંબઈમાં 7.69, મિલીમીટર વરસાદ નોંધાયો હતો. કોલાબામાં મોસમનો અત્યાર સુધીનો કુલ 814.8 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે સાંતાક્રુઝમાં અત્યાર સુધી 1106.8 મિ.મી. વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાક પશ્ચિમ ઉપનગરમાં 5.23 મિ.મી. તો પૂર્વ ઉપનગરમાં 2.10 મિ.મી. વરસાદ પડ્યો હતો.