ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 15 ડિસેમ્બર 2021
બુધવાર.
ઘર પડાવી લેવા માટે વૃદ્ધ માતા-પિતાની સતામણી કરનારા દીકરાને બોમ્બે હાઈકોર્ટે સબક શીખવાડ્યો હતો. મેજિસ્ટ્રેટે ઘરડા માતા –પિતાની દેખરેખનો ખર્ચ અને બાકી રહેલા પૈસા ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો, છતાં પત્નીની બીમારીનું કારણ આગળ કરીને આદેશની અવગણના કરનારાને કોર્ટે બરોબરનો ઠપકો આપ્યો હતો. તેમ જ તાત્કાલિક મા-બાપને દેખરેખ માટે પાંચ હજાર રૂપિયા અને બાકી રહેલા બે લાખ દસ હજાર રૂપિયા તાત્કાલિક ચૂકવી દેવાનો આદેશ આપ્યો હતો.
લોઅર પરેલમાં સત્યકી નગરમાં 72 વર્ષના ગૌમાતાદેવી યાદવ પોતાના પતિ તેમ જ દીકરા વિનોદ અને વહુ સાથે રહે છે. ઘર પોતાના નામ પર કરાવી લેવા માટે દીકરો પારાવાર ત્રાસ આપતો હોવાની તેમણે દાદરમાં મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ કરી હતી. મેજિસ્ટ્રેટે વિનોદને માતાપિતાને દર મહિનાની 8 તારીખે પાંચ હજાર રૂપિયા આપવાનો આદેશ 8 માર્ચ 2021ના આપ્યો હતો. તેમ જ મહિનાની અંદર માત-પિતાનું ઘર છોડી દેવાનું પણ કહ્યું હતું. વિનોદે તેની વિરુદ્ધમાં હાઈ કોર્ટમાં અરજી કરી હતી.
સારા સમાચાર! નવા વર્ષમાં સિડકો આટલા ઘર માટે કાઢશે લોટરી, જાણો વિગત
વિનોદે હાઈ કોર્ટમાં કહ્યું હતું કે તેની પત્નીને કિડનીની બીમારી હોવાથી તે માતા-પિતાને પૈસા ચૂકવી શકશે નહીં. જોકે કોર્ટે તેને એક વાત નહીં સાંભળતા માતા-પિતાને તાત્કાલિક પૈસા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.