News Continuous Bureau | Mumbai.
પથ્થરબાજોના નિશાના પર મુંબઈના એસી લોકલ આવી ગઈ છે. એસી લોકલ પર પથ્થર મારવાના બનાવ વધી રહ્યા છે, તેને કારણે ટ્રેનમાં પ્રવાસ કરી રહેલા પ્રવાસીઓની સુરક્ષા જોખમમાં આવી છે. એ સાથે જ રેલવેને પણ બારીનો તૂટેલો એક કાચ બદલવામાં સરેરાશ 10,000 રૂપિયા સુધીનો ફટકો પડી રહ્યો છે.
રેલવેમાં દરવાજા પાસે ઊભા રહીને પ્રવાસ કરનારાઓ પર પથ્થર મારવાના બનાવો કાયમ બનતા હોય છે. જેમાં અત્યાર સુધી અનેક પ્રવાસીઓને પોતાની આંખ ગુમાવી હોવાના બનાવ પણ નોંધાયા છે. હવે જોકે પથ્થરબાજોના નિશાના પર એસી લોકલ આવી ગઈ છે. એસી લોકલ પર પથ્થર મારીને કાચ તોડવાના બનાવ વધી ગયા છે.
આ સમાચાર પણ વાંચો : એસી લોકલ સામાન્ય પ્રવાસીઓને લાવી પરસેવો.. એસી લોકલની ફેરા વધ્યા અને સેન્ટ્રલ રેલવેનું ટાઈમટેબલ ખોરવાયું. જાણો વિગતે
રેલવેના જણાવ્યા મુજબ એસી લોકલ પર પથ્થર મારવાને કારણે બારીનો કાચ તૂટી જાય છે. એક કાચના સમારકામ પાછળ સરેરાશ 10,000 રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. પથ્થર મારવાના સૌથી વધુ બનાવ હાર્બર લાઈનમાં બને છે. ખાસ કરીને ગોવંડી અને માનખુર્દમાં રેલવે પાટાને અડીને આવેલા ઝૂંપડપટ્ટીમાથી પથ્થર ફેંકવાનું પ્રમાણ વધારે હોય છે. તો સેન્ટ્રલ રેલવેમાં કલવા-મુંબ્રામાં આવી ઘટનાઓ વધારે બને છે.