ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મુંબઈના પશ્ચિમ ઉપનગરનો ગુજરાતી વિસ્તાર કાંદિવલી કોરોનાનો હૉટ સ્પૉટ બની ગયો હોવાનું જણાઈ રહ્યું છે. કાંદિવલી (પશ્ચિમ)ના મહાવીર નગરમાં એક જ સોસાયટીમાં કોરોનાના 17 કેસ નોંધાયા હતા. એથી બિલ્ડિંગ કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં આવી ગયું હતું. કોરોનાના વેરિયન્ટ ડેલ્ટા પ્લસના મહારાષ્ટ્રમાં ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે, ત્યારે કાંદિવલીમાં ડેલ્ટા પ્લસના પાંચ કેસ નોંધાયા છે. એથી પાલિકા પ્રશાસનની ચિંતા પણ વધી ગઈ છે.
મુંબઈમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં માંડ આવી છે, પરંતુ પશ્ચિમ ઉપનગરના બોરીવલી અને કાંદિવલી વિસ્તારમાં કોરોનાના કેસ ઘટવાનું નામ જ નથી લેતા. એથી પાલિકાના આરોગ્ય ખાતાની ચિંતા વધી ગઈ છે. એમાં પણ કાંદિવલી (પશ્ચિમ)માં મહાવીર નગરમાં આવેલી વીણા-ગીત-સંગીત-ગંગોત્રી-યમનોત્રી કૉ-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કોરોનાના કેસનું પ્રમાણ વધી ગયું હતું. કોરોનાના 17 કેસ નોંધાતાં પાલિકા આર-સાઉથ વૉર્ડ દ્વારા બિલ્ડિંગને સીલ કરીને કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં નાખી દેવામાં આવ્યું હતું. હાલ જોકે બિલ્ડિંગમાં ફક્ત સાત ઍક્ટિવ કેસ રહ્યા છે. એમાંથી બે જણ હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પાલિકા દ્વારા કોરોનાને નિયંત્રણમાં લેવાની ઉપાયયોજના અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે 125 સભ્યો ધરાવતી વીણા-ગીત-સંગીત-ગંગોત્રી-યમનોત્રી કૉ-ઑપરેટિવ હાઉસિંગના સભ્યો પર બિલ્ડિંગમાં અચાનક વધી ગયેલા કેસથી ચિંતિત છે. સોસાયટીના સભ્યના કહેવા મુજબ હવે તેમની સોસાયટીમાં કેસ નિયંત્રણમાં છે. ચાર-પાંચ દિવસમાં કોઈ નવા કેસ નોંધાયા નથી,, જે લોકોને કોરોના થયો હતો તે લોકો પણ વેક્સિનેટેડ હતા, એથી જલદી રિકવર થઈ રહ્યા છે. હાલ ફક્ત બે સિનિયર સિટીઝન હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. કેસમાં વધારો થાય નહીં એ માટે તકેદારીનાં તમામ પગલાં લેવામાં આવી રહ્યાં છે.
કોરોનાના કેસ પહેલાંથી કાંદિવલીમાં વધુ રહ્યા હોવાથી આર-સાઉથ વૉર્ડ એલર્ટ મોડ પર રહ્યો છે. છતાં નાગરિકોની બેદરકારીને કારણે કેસ ઘટતા જ નથી. એમાં હવે ડેલ્ટા પ્લસના પાંચ કેસ કાંદિવલીમાં નોંધાયા છે. એવી નારાજગી આર-સાઉથનાં વૉર્ડ ઑફિસર સંધ્યા નાંદેડકરે વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના આ નેતાની આટલા કરોડની બેનામી સંપત્તિ થઈ જપ્ત; જાણો વિગત
તેમના કહેવા મુજબ આ વિસ્તાર ઓવર ક્રાઉડેડ રહ્યો છે. નિયંત્રણો હળવાં કરવાની સાથે જ લોકો પણ કોરોના સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેરની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એમાં પણ હવે તહેવારોનો સમયગાળો છે. એ સમયે કાંદિવલીમાં એક જ સોસાયટીમાં 17 કેસ નોંધાય એ ચિંતાજનક બાબત છે. જોકે હાલ અહીં ફક્ત સાત ઍક્ટિવ કેસ છે, છતાં બિલ્ડિંગ હજી કન્ટેઇન્ટમેન્ટ ઝોનમાં છે તેમ જ ડેલ્ટા પ્લસના પણ પાંચ કેસ નોંધાતાં પાલિકાની ચિંતા વધી ગઈ છે, એથી વધુ એલર્ટ થઈ ગયા છીએ. કોરોના એક કેસ સામે કૉન્ટૅક્ટ ટ્રેસિંગ વધારી દેવામાં આવ્યું છે તેમ જ ટેસ્ટિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. આ વિસ્તારમાં વેક્સિનેશન પણ ઝડપથી થાય એવા પ્રયાસ છે. છતાં લોકોએ પણ કોરોના સંબંધિત નિયમનું પાલન કરવું આવશ્યક છે. લોકો સતત બેદરકારી રાખી રહ્યા છે. રક્ષાબંધનના દિવસે પણ કાંદિવલીમાં ભારે ભીડ જણાઈ રહી છે. લોકો નિયમનું પાલન નહીં કરે તો અમારે આકરાં પગલાં લેવાની તૈયારી રાખવી પડશે.