ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,31 જાન્યુઆરી 2022
સોમવાર.
કાંદીવલી(વેસ્ટ) ચારકોપરમાં ઠેર ઠેર “નો રોડ, નો વોટ “ના મોટા બેનર લાગ્યા છે. બરોબર મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી ટાણે રસ્તાને લઈને લાગેલા બેનરમાં સ્થાનિક નાગરિકોની હાલાકીનો દીદાર આપી રહી છે. રહેવાસીઓ એટલી હદે ત્રાસી ગયા છે કે તેઓએ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની સુદ્ધા ચીમકી આપી દીધી છે.
પાલિકાની ચૂંટણીમાં રસ્તા અને ગટર, પાણી જેવા મુદ્દાઓ પર નેતાઓ વોટ માંગતા હોય છે. હવે જ્યારે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી છે ત્યારે મત માગવા આવનારાઓ નેતાઓ પણ તેમની વર્ષો જૂની માગણીને પૂરી કરે એ ઈરાદે સ્થાનિક રહેવાસીઓએ ચારકોપમાં ઠેર ઠેર બેનર લટકાવી દીધા છે.
ચારકોપમાં લગભગ 27 હાઉસિંગ સોસાયટીઓની હાઈલેન્ડ કોમ્પલેક્સ કરીને સોસાયટી આવેલી છે. ચારકોપમાં આ સોસાયટીની પહેલી બિલ્ડિંગ લગભગ 1988માં બની હતી, ત્યારથી અત્યાર સુધી આ પરિસરમાં પાલિકાએ રસ્તો બાંધ્યો જ નથી. પાલિકા અને બિલ્ડરની આપસી લડાઈમાં સ્થાનિક રહેવાસીઓ રસ્તા જેવી મૂળભૂત સુવિધાથી વંચિત થઈ ગયા હોવાની ફરિયાદ કરી રહ્યા છે.
અરે વાહ!! મુંબઈના રસ્તાઓ પર એક્સિડન્ટ ઘટાડવા BMCએ કરી આ ઉપાયયોજના; જુઓ તસવીરો, જાણો વિગત…
આ સોસાયટીના સભ્યો લગભગ 2013-14ની સાલથી બિલ્ડર, પાલિકા, વિધાનસભ્ય, સાંસદ સભ્યને તેમના સોસાયટી પરિસરમાં પાકો રસ્તો બનાવવાની માંગણી કરી રહ્યા છે. પરંતુ લાંબા સમયની માંગણી અને સતત પત્ર વ્યવહાર બાદ પણ આટલા વર્ષો બાદ પણ અહીં પાકો રસ્તા બની શક્યો નથી. રહેવાસીઓ સાંકડી ગલી જેવા રસ્તાનો જ ઉપયોગ કરી રહ્યા હોવાની ફરિયાદ પણ મોટાભાગના રહેવાસીઓ કરી રહ્યા છે.
ચારકોપના આ હાઉસિંગ કોમ્પલેક્સના સ્થાનિક રહેવાસીઓ તમામ લોકો પાસે વિનંતી, ફરિયાદ અને પત્ર વ્યવહાર કરીને થાકી ગયા છે. નાછૂટકે તેઓએ રસ્તાની માગણીને આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તે માટે તેઓએ ઠેર ઠેર “નો રોડ, નો વોટ “ના બેનર લટકાવી દીધા છે.