ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ઑગસ્ટ, 2021
શનિવાર.
મુંબઈમાંથી પ્રતિદિન નીકળતા કચરામાં વધુ પ્રમાણ પ્લાસ્ટિકના કચરાનું હોય છે. એમાં પણ દૂધની પ્લાસ્ટિકની થેલીઓનું પ્રમાણ વધુ હોય છે. અન્ય કચરાનું વિઘટન થતું હોય છે, પરંતુ પ્લાસ્ટિકનું વિઘટન થતું નથી, જે પર્યાવરણને નુકસાનકારક છે. એવા સમયે મુંબઈની અમુક સંસ્થાઓ પ્લાસ્ટિકની દૂધની થેલીઓના નિકાલ માટે આગળ આવી છે. આ સંસ્થાના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈને દૂધની થેલીઓ ભેગી કરે છે. આ ભેગી કરવામાં આવેલી થેલીઓ રીસાઇક્લિંગ દ્વારા ફરી ઉપયોગલાયક બનાવવામાં આવે છે. જેમાં કાંદિવલીની KES કૉલેજ ઑફ આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉર્મસના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.
કાંદિવલીનીKES કૉલેજ ઑફ આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉર્મસના NSS સાથે જોડાયેલા 50થી વધુ વોલેન્ટિયરે હાલમાં જ કાંદિવલી (વેસ્ટ)માં મહાવીરનગર પરિસરમાં દૂધની પ્લાસ્ટિકની થેલીઓને લઈને લોકોમાં અવેરનેસ લાવવાનો કાર્યક્રમ હાથ ધર્યો હતો. એમાં તેમની સાથે પાલિકાની આર-દક્ષિણ વૉર્ડ ઑફિસ સહિત બિનસામાજિક સંસ્થા ગ્લોબલ ગ્રીન રેસોનેન્સ ફાઉન્ડેશન પણ જોડાઈ હતી. કૉલેજના વિદ્યાર્થીઓએ ઘરે-ઘરે જઈને લોકોને દૂધની પ્લાસ્ટિકની થેલી બાબતે માહિતી આપી હતી. પ્લાસ્ટિકનું વિઘટન થતું ન હોવાથી એને કચરામાં ફેકવું નહીં એવી સમજ પણ લોકોને આપવામાં આવી હતી. તેમ જ તેમની પાસે રહેલી દૂધની થેલીઓનું કલેક્શન પણ કરવામાં આવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં વર્ષોથી ‘હર ઘર ,હરા ઘર’, ‘ગાર્બેજ ફ્રી ઇન્ડિયા’ અને ‘ક્લીન મુંબઈ ફાઉન્ડેશન’ આ ત્રણ સંસ્થા પ્લાસ્ટિકના રીસાઇક્લિંગ પર કામ કરી રહી છે. તેઓએ મુંબઈગરાને તેમના ઘરમાં આવતી દૂધની થેલી કચરામાં નહીં ફેકવાની અપીલ પણ કરી છે. સંસ્થા સાથે જોડાયેલા કાર્યકર્તા લોકોમાં આ મુદ્દે જનજાગૃતિ લાવવાનું કામ કરતા હોય છે. દૂધની થેલી ધોઈને સાફ કરીને સૂકવીને તેને ઘરમાં જમા કર્યા બાદ સંબંધિત સંસ્થાને સંપર્ક કરીને તેમને થેલી આપવાની અપીલ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે. હાલ દક્ષિણ મુંબઈમાં 100થી વધુ રેસિડેન્શિયલ બિલ્ડિંગ અને ઘર આ યોજનામાં જોડાયાં છે.
‘હર ઘર ,હરા ઘર’ સંસ્થાના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ મુંબઈથી દર મહિને 150 કિલો દૂધની થેલીઓ ભેગી કરવામાં આવે છે. કિલોમાં લગભગ 400 થેલીઓ હોય છે. ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પ્લાસ્ટિકની થેલીઓનું વિઘટન થતું નથી. એથી તેઓ દ્વારા પ્લાસ્ટિકની થેલી ભેગી કરીને એનું રીસાઇક્લિંગ કરવામાં આવે છે.
બિલ્ડિંગના રીડેવલપમેન્ટને લઈ હાઈ કોર્ટે આપ્યો આ ચુકાદો, જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈમાં દરરોજ લગભગ 1.5 કરોડ દૂધની થેલી વપરાય છે. જેનું વજન લગભગ 37,500 કિલો છે. એની સામે આ સંસ્થા દ્વારા દક્ષિણ મુંબઈથી રોજ 150 કિલો થેલી ભેગી કરવામાં આવે છે અને તેના પર પક્રિયા કરીને એનો ફરી ઉપયોગ કરવાલાયક બનાવે છે.