ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધી રહ્યા છે, પરંતુ હાલ પૂરતું સામાન્ય મુંબઈગરાઓ માટે લોકલ ટ્રેન બંધ કરવાની કોઈ યોજના નથી એવું રાજયના હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ કહ્યું હતું.
કોરોનાની પરિસ્થિતિ પર ચર્ચા કરવા માટે આજે મહારાષ્ટ્ર સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી(હેલ્થ) પ્રદીપ વ્યાસ સાથે રાજેશ ટોપેએ એક બેઠક કરી હતી, જેમાં વિકેન્ડ લોકડાઉન, નાઈટ કર્ફ્યૂ જેવા વિષયો પર ચર્ચા થઈ હતી. જોકે સંપૂર્ણપણે લોકડાઉન લાદવાનો નિર્ણય હજી સુધી લેવામાં આવ્યો નથી અને તે બાબતે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે જ જાહેરાત કરશે એવું રાજેશ ટોપેએ કહ્યું હતું.
મુંબઈમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છતાં નાગરિકો માટે લોકલ બંધ કરવાની કોઈ યોજના નથી એવી હેલ્થ મિનિસ્ટર રાજેશ ટોપેએ સ્પષ્ટતા કરી છે. રાજેશ ટોપેએ એમ પણ કહ્યું છે કે સરકારે હાલમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો નથી. આજે NCP પ્રમુખ શરદ પવારે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી છે. આ બેઠકમાં રાજેશ ટોપે અને ગૃહમંત્રી દિલીપ વળસે પાટીલ પણ હાજર હતા.
રાજેશ ટોપેએ જણાવ્યું હતું કે બુધવારે રાજ્યમાં કોરોના રોજના લગભગ 25,000 કેસ નોંધાયા હતા. ગુરુવારે આ આંકડો 35,000 સુધી પહોંચે એવી શક્યતા છે. વર્તમાન પરિસ્થિતિ અને કયા નિયંત્રણો લાદવામાં આવી શકે છે તેની ચર્ચા કરવા માટે બેઠકમાં ચર્ચા થઈ હતી. જો પ્રતિબંધો વધારવાની જરૂર હોય, તો તેમ કરવામાં આવશે એવું પણ તેમણે કહ્યું હતું.
કોરોનાના ભરડામાં મુંબઈના ડોકટરો, સરકારી અને ખાનગી હોસ્પિટલોના ડોકટરનું ટેન્શન વધ્યું; જાણો વિગત
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે હાલમાં મુંબઈમાં મુસાફરી કરતા પ્રવાસીઓ પર કોઈ નિયંત્રણો લાદવામાં આવશે નહીં. દરમિયાન રાજેશ ટોપેએ પણ આ વાતની પુષ્ટિ કરી છે અને સરકારની હાલમાં મુંબઈ લોકલ બંધ કરવાની કોઈ યોજના નથી.
રાજેશ ટોપેએ એમ પણ કહ્યું હતું કે રાજ્ય સરકાર જિલ્લામાં હાલ તો કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લાદવાની યોજના રાખતું નથી. એટલે કે તાત્ત્કાલિક લોકડાઉન લાદવાની તેમની કોઈ યોજના નથી. જોકે જાહેર કાર્યક્રમો, લગ્નો અંગેના નિયમોનો કડકપણે અમલ થવો જરૂરી છે.