News Continuous Bureau | Mumbai
બોરીવલીમાં સંજય ગાંધી નેશનલ પાર્કમાં આવેલી નદીમાં તરવા ગયેલા 32 વર્ષના યુવકનું ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાનો આઘાતજનક બનાવ બન્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ યુવક નેશનલ પાર્કમાં આદિવાસી પાડામાં રહેતા તેના મિત્રને મળવા ગયો હતો. આ દરમિયાન તે યુવક નેશનલ પાર્કમાં આવેલા બોટિંગ લેકમાં તરવા માટે ઉતર્યો હતો અને આ બનાવ બન્યો હતો.
આ સમાચાર પણ વાંચો : સાંતાક્રુઝની આ સ્કૂલના બસ ડ્રાઈવરે વાલીઓના જીવ કરી નાખ્યા અધ્ધરતાલ, આટલા કલાકે ભાળ મળી વિદ્યાર્થીઓની; જાણો શું છે સમગ્ર મામલો
યુવક એક કેબલ કંપનીમાં કામ કરતો હતો. સોમવારે તે તેના મિત્ર સાથે બોટિંગ લેકમાં ગયો હતો. બપોરના લગભગ 3.30 વાગે જમ્યા બાદ બહુ ગરમી હોવાથી લેકમાં તરવા માટે તે ગયો હતો. તેનો મિત્ર સ્વિમિંગ જાણતો ન હોવાથી તે લેકમાં ઉતર્યો નહોતો.
યુવકના મિત્રએ પોલીસને જણાવ્યા મુજબ લેકમાં ખાસ્સો સમય તે તરી રહ્યો હતો. પરંતુ લાંબા સમય સુધી તે દેખાયો નહીં એટલે તેણે સ્થાનિક લોકોની મદદ માગી હતી. બાદમાં પોલીસ અને ફાયરબ્રિગેડે આવીને તેને શોધવાના પ્રયાસો હાથ ધર્યા હતા. લગભગ છ વાગે યુવકનો મૃતદેહ હાથ લાગ્યો હોવાનું બોરીવલીના કસ્તુરબા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.