ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
કોરોનાની પહેલી અને બીજી લહેરમાંથી માંડ બહાર નીકળીને અર્થતંત્રની ગાડી માંડ પાટે ચઢી હતી ત્યાં ત્રીજી લહેરના આગમને પગલે મહારાષ્ટ્રમાં ફરી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. જેમાં અનેક પર્યટન સ્થળો પર પણ પ્રતિબંધ આવી ગયા છે. તેથી પર્યટન પર નભતા સ્થાનિક નાગરિકોની હાલાકી વધી ગઈ છે. મુંબઈ નજીકના હિલ સ્ટેશન માથેરાનના સ્થાનિક નાગરિકોએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને પર્યટન પરના પ્રતિબંધને હટાવવાની માગણી કરી છે.
માથેરાનમાં સ્થાનિક લોકોની સો ટકા રોજગારી પ્રવાસીઓ પર આધારિત છે. માથેરાન કોરોનાની પહેલી અને બીજી લહેર દરમિયાન વિશેષ વહીવટી તત્વ તરીકે પ્રવાસીઓ માટે ખુલ્લું રહ્યું હતું. તેથી કોરોનાની ત્રીજી લહેરમાં પણ પર્યટન પરના નિયંત્રણો દૂર કરી આ છૂટ આપવામાં આવે એવી માથેરાનના સ્થાનિક રહેવાસીઓએ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને માગણી કરી છે.
કોરોનાની ત્રીજી લહેર દરમિયાન મહારાષ્ટ્ર સરકારે બહાર પાડેલા માં સુધારેલા નિયમો અનુસાર સ્થાનિક પ્રવાસન સ્થળો બંધ છે. માથેરાન પ્રવાસીઓ માટે બંધ થવાને કારણે લગભગ 50,000 સ્થાનિકોને ભૂખમરાનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. આ સ્થાનિકો અને તેમના પરિવારોને ધ્યાનમાં લેવાની જરૂર છે. આ માટે સરકારે માથેરાનમાં નિયંત્રણો હળવા કરવા જોઈએ એવી માગણી સ્થાનિક રહેવાસીઓએ કરી છે.
મુંબઈની આ નદીને પુનઃજીવિત કરવા મુંબઈ મનપા ખર્ચશે અધધધ રકમ. જાણો વિગત
આ દરમિયાન મહાબળેશ્વરનું એક પ્રતિનિધિમંડળ પણ ટૂંક સમયમાં પર્યટન મંત્રી આદિત્ય ઠાકરે અને પ્રવાસન રાજ્ય મંત્રી અદિતિ તટકરેને મળીને પ્રવાસન સ્થળો પરના નિયંત્રણો હળવા કરવા અંગે ચર્ચા કરવાના છે. જો સરકારે યોગ્ય પગલા નહીં લીધા તો સ્થાનિક વેપારીઓ અચોક્કસ મુદતના ઉપવાસ શરૂ કરવાની ચેતવણી આપી છે.