ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
15 ઓક્ટોબર 2020
ઘરના રસોઈવાળા બહેનને તેમનું સ્વાભિમાન જાળવી રાખી મદદ કરવાના હેતુસર નાનકડા સ્ટોલથી શરુ થયેલ પહેલ આજે કાંદીવલી માં 'પરાઠા સ્ટોલ' સુધી પહોંચી છે, આજે મહામારીના સમયમાં પણ અહીં બહેનો આત્મનિર્ભર થઈ રહી છે. અત્યારે દિલ્હીમાં 'બાબા કા ઢાબા' નો વિડીયો ખૂબ વાયરલ થયો અને પોતાના જીવન માટે સ્ટોલ પર રાતદિવસ મહેનત કરતાં એક વૃદ્ધ દંપત્તિ વિશે લોકોને જાણ થઈ. તેવી જ રીતે મુંબઈમાં એક એવું ગુજરાતી યંગ કપલ છે કે જે પોતે એમબીએ હોવા છતાં અને સારી નોકરી મેળવેલ હોવા છતાં કાંદિવલી વેસ્ટમાં સ્ટેશનની બહાર સ્ટોલ લગાવતું હતું. જેમાંથી હવે તેમણે એક પરાઠા સેન્ટર ઊભું કર્યું છે. પ્રશ્ન ચોક્કસ થાય કે આ શાહ પરિવારનું યુવાન કપલ દરરોજ સવારે પૌંઆ, ઈડલી, ઉપમા, પરાઠા વેંચવા શા માટે ઊભું રહેતું હશે? આ પાછળ તેમનો એક સારો ઉદ્દેશ સામે આવે છે.
કાંદીવાલી સ્ટેશન બહાર પોતાનો સ્ટોલ લગાવનાર અશ્વિની શાહ જણાવે છે કે, અમારા ઘરે એક રસોઈવાળા બહેન આવતાં હતાં. જેમના પતિને ગયા વર્ષે ગંભીર બીમારીમાં પટકાયા ત્યારે કામવાળા બહેનને પૈસાની ખૂબ જરુર હતી. પરંતુ તે સ્વાભિમાની હોવાથી અમારી મદદ લેવા નહોતી માગતી. આથી મેં અને મારા પતિએ અનોખો ઉપાય અજમાવ્યો અને અમે તેને વાત કરી કે અમે સામાન લાવી આપીશું. તેમાંથી તેણે સામગ્રી બનાવી આપવાની. અમે સવારે ઓફિસે જઈએ તે પહેલાં કાંદિવલી સ્ટેશનની બહાર વેસ્ટમાં સ્ટોલ પર પહોંચી જઈએ અને સાડા દસ વાગ્યા સુધી સ્ટોલ રાખીએ. જ્યાં એ બહેને તૈયાર કરેલી વાનગીઓ વેંચી તેમાંથી કંઈક આર્થિક ભંડોળ ઊભું કરવાનો પ્રયાસ કર્યો.
વખત જતાં જરુર ન જણાતાં સ્ટોલ બંધ કરવાનો સમય આવ્યો ત્યારે ફરી તેમને એક એવી મહિલા મળી આવી જેમને ઘરની જવાબદારી પૂરી કરવા આર્થિક મદદની જરૂર હતી. ત્યારે, ફરી આ સ્ટોલનું સૂકાન તે મહિલાએ સંભાળી લીધું. આજે આવશ્યક પરવાનગીઓ મેળવી આ કપલે કાંદિવલીના ચારકોપ વિસ્તારના સેક્ટર આઠમાં એક જગ્યા ભાડે લઈ ત્યાં અન્નપૂર્ણા પરાઠા સ્ટોલ ચલાવી રહ્યાં છે. જેમાં અત્યારે ચાર બહેનો રોજગાર મેળવી આત્મનિર્ભર થઈ રહી છે. આમ આ શાહ દંપતી ધનદાન થી વધુ શ્રમ દાનનો યજ્ઞ કરી લોકોને આત્મનિર્ભર કરી રહયાં છે.