ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 જુલાઈ, 2021
શનિવાર
કોરોના મહામારીના કપરા કાળમાં લૉકડાઉનને કારણે અનેક લોકોએ નોકરીધંધા ગુમાવી દીધા છે. ઘર ચલાવવાના અને ખાવાના વાંધા પડી ગયા છે. એવા સમયમાં સમાજના જરૂરિયાતમંદોને મફતમાં અનાજ, દવા-પાણી આપવાથી લઈને રોકડ રકમ સુધીની મદદ કરવા બોરીવલીના 27 જૈન સંઘનું મંડળ આગળ આવ્યું હતું. સમાજ પ્રત્યે ઉલ્લેખનીય કામગીરી બજાવવા બદલ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને હસ્તે આ 27 જૈન સંઘોનું સન્માન કરવામાં આવ્યું છે.
બોરીવલીના 27 જૈન સંઘ છેલ્લા દોઢ વર્ષથી કોઈ પણ જાતનો ભેદભાવ નહીં રાખતાં કોરોનાકાળમાં લોકોને મદદ કરી રહ્યું છે. એથી આવા સમાજોપયોગી કાર્ય કરનારા સંઘના કોરોના યોદ્ધાનું સન્માન થવું જોઈએ, એવી રજૂઆત બોરીવલીના ધારાસભ્ય સુનીલ રાણેએ રાજ્યપાલને કરી હતી. તેમની ઉલ્લેખનીય કામગીરીને રાજ્યપાલે પણ બિરદાવી હતી. શુક્રવારે 30 જુલાઈના બોરીવલીના 27 જૈન સંઘોનાં પ્રતિનિધિમંડળનું સન્માન કરાયું હતું. આ દરમિયાન જૈન સમાજની ઉદારતા અને મદદકાર્યમાં હંમેશાં પડખે રહેવા બદલ રાજ્યપાલે તેમનો આભાર પણ માન્યો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવક પ્રવીણ શાહ, બિના દોશી પણ હાજર રહ્યાં હતાં.
બોરીવલી (વેસ્ટ)માં જાંબલી ગલીમાં આવેલા સંભવનાથ જૈન દેરાસર પેઢીના મૅનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી સ્નેહલભાઈ શાહે ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે સમાજના દરેક જરૂરિયાતમંદોને મદદ કરવાની સંઘની ફરજ હતી. અનેક દાતાઓ પણ મદદ માટે આગળ આવ્યા હતા. એથી તેમની મદદથી 27 જૈન સંઘો દ્વારા આ ભગીરથ કાર્ય પાર પાડી શકાયું હતું.
સ્નેહલભાઈ શાહે કહ્યું હતું કે લૉકડાઉનમાં સમાજના તમામ વર્ગને અસર પહોંચી હતી. અનેક લોકોએ નોકરીધંધા ગુમાવી દીધા હતા. રોજ કમાઈને ખાનારાઓની તકલીફ જ કંઈ અલગ હતી. અનાજની સાથે દવાની ખરીદી માટે પણ લોકો પાસે નાણાં નહોતાં. એથી સંઘોએ આગળ આવીને મદદ કરવાનો નિર્ણય લીધો હતો. એ મુજબ 27 જૈન સંઘના નેજા હેઠળ અનાજની કિટ્સ વહેંચી હતી. ચાર લાખ ખીચડીનાં પૅકેટ્સ લોકોને વહેંચ્યાં હતાં. અનેક દાતાઓ આગળ આવતાં જરૂરિયાતમંદોને આર્થિક રકમની પણ મદદ કરી હતી. શાહપુરમાં પણ 3,000 ટ્રાઇબ પરિવારને ઍડૉપ્ટ કરીને અનાજ પહોંચાડ્યું હતું. જેમની પાસે રૅશનિંગ કાર્ડ નહોતાં અથવા જે પ્રવાસીઓ હતા એવા લોકોમાં પણ અનાજની કિટ્સની વહેંચણી કરી હતી.