ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
લો બોલો, હવે મેટ્રો કૉર્પોરેશને પણ પોતાના કર્મચારીઓને કલરફૂલ કપડાં પહેરાવવાનો નિર્ણય લીધો છે. આવતા વર્ષના આરંભમાં મેટ્રો 7 અને મેટ્રો 2-A ચાલુ થવાની છે. હાલ કર્મચારીઓને ટ્રેનિંગ આપવાથી લઈને અન્ય પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં મેટ્રો કર્મચારીઓ માટે યુનિફૉર્મની તૈયારી પણ કરવામાં આવી રહી છે. મહા મુંબઈ મેટ્રો ઑપરેશન કૉર્પોરેશન લિમિટેડ (MMMOCL)એ મેટ્રો રેલના કર્મચારીઓ માટે બ્લૂ, ગ્રીન અને ગ્રે કલરના યુનિફૉર્મ રાખવાનો નિર્ણય લીધો છે. કર્મચારીઓના ડ્રેસ કોડ માટે લગભગ અઢી કરોડ રૂપિયાનો ખર્ચ કરાશે.
મેટ્રો રેલના અધિકારીના કહેવા મુજબ મેટ્રોની બ્રાન્ડને જોતાં કર્મચારીઓ માટે ડ્રેસનો કલર રાખવામાં આવ્યો છે. ડ્રેસ સહિત એની સાથે જોડાયેલી વસ્તુઓ માટે ખરીદીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે. ટેન્ડર પ્રક્રિયાથી યુનિફૉર્મ ખરીદાશે. અલગ-અલગ વિભાગના કર્મચારીઓ માટે બ્લેઝર, જૅકેટ, હેલમેટ, શર્ટ અને ટ્રાઉઝર હશે.
કેન્દ્રના આ નિર્ણયથી કપડાં મોંઘાં થશે, નાના વેપારીઓનો કસ નીકળી જશે : CAITએ કર્યો દાવો; જાણો વિગત
અહીં ઉલ્લેખનીય છે કે મેટ્રો 7 અને મેટ્રો 2-Aના 20 કિલોમીટરના રૂટ પર જાન્યુઆરી 2022 સુધી મેટ્રો ચાલુ થવાની શક્યતા છે. અંધેરી(પૂર્વ)થી દહિસર(પૂર્વ) વચ્ચે 16.473 કિલોમીટર તથા મેટ્રો 7 અને દહિસરથી ડી. એન. નગરની વચ્ચે 18.5 કિલોમીટરના અંતરની 2-A મેટ્રોનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. એનું કામ 2019 સુધી પૂરુ કરવાનો લક્ષ્યાંક હતો, પરંતુ અનેક કારણથી મેટ્રોનું કામ લંબાતું ગયું હતું.
