ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 જુલાઈ 2021
મંગળવાર
કોરોના મહામારીના કપરા કાળમાં મોટા પ્રમાણમાં લોકોના નોકરીધંધાને ફટકો પડ્યો હતો. લૉકડાઉનને કારણે લોકોને ખાવાના વાંધા પડી ગયા હતા. એવા નાજુક સમયમાં સમાજના જરૂરિયાતમંદોને મફતમાં અનાજ, દવા-પાણી આપવાથી લઈને રોકડ રકમ સુધીની મદદ કરનારા બોરીવલીના 27 જૈન સંઘનું સન્માન કરવામાં આવવાનું છે. બોરીવલીના ધારાસભ્ય સુનીલ રાણેએ રાજીયપાલ ભગતસિંહ કોશિયારીને આ માટે વિનંતી કરી છે.
તાજેતરમાં ધારસભ્ય સુનીલ રાણેએ રાજ્યપાલની મુલાકાત લીધી હતી. તેમણે રાજ્યપાલને બોરીવલીના 27 જૈન સંઘો દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં નાગરિકોને કરવામાં આવી રહેલી મદદ વિશે વાકેફ કર્યા હતા. છેલ્લા દોઢ વર્ષથી આ સંઘ કોઈ પણ જાતનો ભેદભાવ નહીં રાખતાં કોરોના કાળમાં લોકોને મદદ કરી રહ્યો છે. એથી આવા મહાન કાર્ય કરનારા સંઘના પ્રતિનિધિઓનું સન્માન કરવું જોઈએ એવી રજૂઆત તેમણે રાજ્યપાલને કરી હતી. તેમની રજૂઆત બાદ બોરીવલીના 27 જૈન સંઘોએ પણ વિધાનસભ્યનો આભાર માન્યો હતો.
બોરીવલી(વેસ્ટ)માં જાંબલી ગલીમાં આવેલા સંભવનાથ જૈન દેરાસર પેઢીના મૅનેજિંગ ટ્રસ્ટી અને સેક્રેટરી સ્નેહલભાઈ શાહે જણાવ્યું હતું કે કોરોનાને પગલે લાદવામાં આવેલા લૉકડાઉનમાં લોઅર મિડલ ક્લાસથી લઈને મિડલ ક્લાસ લોકોને ભારે અસર પહોંચી હતી. રોજ કમાઈને ખાનારાઓની તકલીફ જ કંઈ અલગ હતી. આવા નાજુક સમયમાં લોકોના ખાવા-પીવા વાંધા હતા. અનાજની સાથે દવાની ખરીદી માટે પણ લોકો પાસે નાણાં ઉપલ્બધ નહોતાં. ત્યારે 27 જૈન સંઘના નેજા હેઠળ અમે લોકોને અનાજની 15,000 કિટ્સની વહેંચણી કરી હતી. ચાર લાખ ખીચડીના પૅકેટ્સ લોકોને વહેંચ્યાં હતાં. અનેક દાતાઓ આગળ આવતાં જરૂરિયાતમંદોને આર્થિક રકમની પણ મદદ કરી હતી. શાહપુરમાં પણ 3,000 ટ્રાઇબ પરિવારને ઍડૉપ્ટ કરીને અનાજ પહોંચાડ્યું હતું. ઉપનગરના કલેક્ટરની વિનંતીને પગલે જેમની પાસે રૅશનિંગ કાર્ડ નહોતાં, અથવા જે પ્રવાસીઓ હતા એવા લોકોમાં પણ અનાજની 15,000 કિટ્સની વહેંચણી કરી હતી.