ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 22 ઑક્ટોબર, 2021
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી શિવસેનાને પૈસા જમા કરવા છે, એથી બ્લૅક લિસ્ટેડ કૉન્ટ્રૅક્ટરોને પાલિકામાં ફરી એન્ટ્રી આપી રહી છે એવો ચોંકાવનારો આરોપ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના જનરલ સેક્રટેરી સંદીપ દેશપાંડેએ કર્યો હતો. આ દરમિયાન સંદીપ દેશપાંડેએ ગુરુવારે મોડી સાંજે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની મુલાકાત લઈને બ્લૅક લિસ્ટેડ કૉન્ટ્રૅક્ટરને કામ આપવાના સંદર્ભમાં ચર્ચા કરી હોવાનું કહેવાય છે.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓને મુંબઈગરાની તકલીફ અને તેમના પસીનાની કમાણીની ચિંતા થવા માંડી છે. તેમાં પણ પોતાનો રાજકીય રોટલો શેકવા માટે રાજકીય પાર્ટીઓ એકબીજા પર આરોપ કરવામાંથી ઊંચી આવતી નથી. પૈસા માટે બ્લૅક લિસ્ટેડ કૉન્ટ્રૅક્ટરોને રસ્તાનાં કામ આપવા માટે શિવસેના ઉતાવળી બની ગઈ છે એવો આરોપ સંદીપ દેશપાંડેએ કર્યો છે.
NCPના આ નેતાએ NCBના અધિકારી સમીર વાનખેડેને આપી આ ધમકીઃ જાણો વિગત.
સંદીપ દેશપાંડેએ કહ્યું હતું કે પાલિકા રસ્તાનાં કામના લગભગ 1200 કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પાડયાં છે. એમાં જે કૉન્ટ્રૅક્ટરોને 2016માં બ્લૅક લિસ્ટેડ કરવામાં આવ્યા હતા, તેમને જ કામ આપવા માટે તેમણે ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કર્યા છે. 1200 કરોડનાં ટેન્ડર બહાર કાઢ્યાં છે, એમાં અનેક શરતો છે. માસ્ટિક પ્લાન્ટ સાથે MoU હોય તો જ કામ આપવામાં આવશે એવું પાલિકા બોલી રહી છે. માસ્ટિક પ્લાન્ટ સાથે કરાર હશે તો જ કૉન્ટ્રૅક્ટ આપવાની શરત પાલિકાએ રાખી છે. આ માસ્ટિક પ્લાન્ટ એ કૉન્ટ્રૅક્ટરના છે, જેને પાલિકાએ બ્લૅક લિસ્ટ કર્યા છે. હવે આ લોકો જ ટેન્ડર ભરશે. બ્લૅક લિસ્ટેડ કૉન્ટ્રૅક્ટરને કામ આપવા માટે મુંબઈ મહાનગરપાલિકા સાથે મળીને શિવસેનાએ કાવતરું કર્યું છે. ચૂંટણી માટે પૈસા જોઈતા હોવાથી બ્લૅક લિસ્ટેડ કૉન્ટ્રૅક્ટરને કામ આપવા માગે છે. એ માટે જ ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે, એવો આરોપ પણ દેશપાંડેએ કર્યો હતો.