ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 ઑક્ટોબર, 2021
શુક્રવાર
ચોમાસું પૂરું થઈ ગયું, પણ રસ્તા પરના ખાડા ક્યારે દૂર થશે એનો મુંબઈ મનપા પાસે કોઈ જવાબ નથી, પરંતુ રસ્તા પર પડેલા ખાડાને મુદ્દે બરાબરનું રાજકરણ ચાલી રહ્યું છે. આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી ગઈ છે ત્યારે હવે સત્તાધારી શિવસેનાની સાથે જ મનસેને પણ રસ્તાઓની ચિંતા થવા માંડી છે.
ગુરુવારે પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરેએ પોતાના મતવિસ્તાર વરલીમાં બે રસ્તાના સિમેન્ટ ક્રોંક્રીટીકરણના કામનું ઉદ્ઘાટન કર્યું હતું. બરોબર એ જ સમયે મનસેએ રસ્તા પરના ખાડાનું પ્રતિકાત્મક રીતે વેચવાનો તુક્કો લગાવ્યો હતો. એથી આગામી પાલિકાની ચૂંટણીમાં રસ્તા પરના ખાડા મહત્ત્વનો મુદ્દો બની જાય એવું જણાય છે.
વિરાર સ્ટેશન પર મર્ડર : પાકીટચોરે નાનકડી વાતમાં એક યુવાનના પેટમાં સીધું ચાકુ હુલાવી દીધું
આ વર્ષે ચોમાસામાં મુંબઈના રસ્તાની હાલત એકદમ દયનીય થઈ ગઈ છે. એમાં પણ રસ્તાના કામ લંબાઈ ગયા છે. પાલિકાનો વિરોધ પક્ષ એને બરોબરનો ચગાવી રહ્યો છે. ભાજપ પણ ખાડાને લઈને હાથ ધોઈને સત્તાધારી પાછળ પડ્યો છે. હવે મનસે પણ ખાડાના રાજકારણમાં કૂદી પડી છે. દશેરાની પૂર્વસંધ્યાએ મનસે પાલિકાના મુખ્યાલયની સામે ખાડાઓનું ‘સેલ’ લગાવ્યું હતું. મનસેએ મુંબઈના ખાડાઓનું પ્રતિકાત્મક વેચાણ કર્યું હતું.
આદિત્ય ઠાકરેના વિધાનસભા મતદાર સંઘ સાથે મેયર કિશોરી પેંડણેકરના વૉર્ડમાં 50 ટકા ડિસ્કાઉન્ટ સાથે ખાડાને વેચવા માટે રાખવામાં આવ્યા હતા. દર વર્ષે લોકો અલગ અલગ વસ્તુઓ વેચે છે ત્યારે મનસેએ મુંબઈના ખાડા વેચવા કાઢ્યા હતા.
