ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
મુંબઈ શહેરના કાંદીવલી વિસ્તારમાં આવેલા ચારકોપ માં અત્યારે દુકાનદારો ગભરાયેલા છે. એક તરફ કોરોના ને કારણે વેપાર ધંધા ઓછા છે ત્યારે બીજી તરફ પાલિકાના કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગના લોકો સીધો દુકાનમાં પ્રવેશ કરે છે અને એક અથવા બીજા કારણસર તેમની પાસે 200 રૂપિયા ની રસીદ ફાડીને પૈસા લઈ જાય છે.
આ સંદર્ભે લોકોએ મહાનગર પાલિકા તેમજ પોલીસ વિભાગને લખાણમાં ફરિયાદ કરી છે.
વાત એમ છે કે ૧૦ માર્ચના રોજ મહાનગર પાલિકાની એક મહિલા કર્મચારી હેલ્મેટ પહેર્યા વગર એકટીવા ચલાવી રહી હતી તેમજ પ્રત્યેક દુકાનમાં જઈને તેણે લોકોના માસ્ક જોવાની શરૂઆત કરી. એક દુકાન ભાગ માત્ર માલિક બેઠેલો હતો અને એકેય કર્મચારી નહોતો કે પછી કોઈ ગ્રાહક પણ નહોતો. જોકે દુકાન માલિકે માસ્ક નહોતું પહેર્યું આથી તેને 200 રૂપિયાનું ચલણ આપવામાં આવ્યું.
મહાનગરપાલિકાએ જે કાર્યવાહી કરી તે સંદર્ભે લોકો માં મતમતાંતર છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ કાર્યવાહી યોગ્ય છે કારણ કે લોકો નિયમોનું પાલન નથી કરી રહ્યા. ત્યારે બીજી તરફ એક વર્ગ એવું કહી રહ્યો છે કે માત્ર એવા વિસ્તારને શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે જ્યાં લોકો કાયદાનું પાલન કરે છે. દબાતા અવાજમાં અમુક લોકો એવું કહે છે કે ભીંડી બજાર, જોગેશ્વરી, માલવણી અથવા અન્ય વિસ્તારમાં પ્રશાસન કડક કાર્યવાહી કરવાથી દૂર ભાગે છે.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગર પાલિકા તેમજ પોલીસ વિભાગે પોતાના કર્મચારીઓને દૈનિક ન્યૂનતમ અમુક લોકોને પકડવાની જવાબદારી સોંપી છે. પરંતુ આ કાર્યવાહી એવી જગ્યાએ થવી જોઈએ જ્યાં કાયદાનું છડેચોક ઉલ્લંઘન થઇ રહ્યું હોય. દુકાને જઇને લોકોને દંડિત કરવાથી શું પ્રશાસન પોતાના ધ્યેયમાં કામયાબ થશે?
