News Continuous Bureau | Mumbai
ઉત્તર મુંબઈમાંથી સ્કૂલના વિદ્યાર્થીઓને ડ્રગ્સ વેચવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલામાં બોરીવલી MHB પોલીસે ગુરુવારે બપોરે, એક 52 વર્ષીય મહિલાની ધરપકડ કરી છે.
હકીકતમાં, એક સમાજ સેવકે બુધવારે દહિસરના એક બગીચામાં સ્કૂલ યુનિફોર્મમાં ચાર વિદ્યાર્થીઓને ધૂમ્રપાન કરતા જોયા હતા. ત્યારબાદ કેટલાક લોકોએ ભેગા મળીને ગાર્ડનમાં જઈ તે વિદ્યાર્થીઓને પકડવાનો પ્રયાસ કર્યો. જો કે આ પૈકી ત્રણ વિદ્યાર્થી નાસી જવામાં સફળ રહ્યા હતા. વિદ્યાર્થીઓ ભાગી જતાં કંઈક ગરબડ હોવાની અનુભૂતિ થતાં, પકડાયેલા એક વિદ્યાર્થીને તેની શાળામાં લઈ જવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો :મોદી-શાહની અનેક વખત મુલાકાત લેનારા NCPના આ દિગ્ગજ નેતા શું ઘરવાપસી કરશે- જાણો શું છે તેમનો પ્લાન
આ મામલો આખરે પોલીસ સુધી પહોંચ્યો. આ સંદર્ભે MHB કોલોની પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુધીર કુડાલકરે જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતા એપીઆઈ ડી સિધે અને કોન્સ્ટેબલ રામ ઘુગે, અજિંક્ય આહિરે અને વિવેક ગૌલી સહિત એન્ટી-ટેરરિઝમ સેલના સ્ટાફે તપાસ શરૂ કરી હતી અને તે એક વિદ્યાર્થીની મદદથી, મહિલા સહિત અન્ય ત્રણ વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી, જેણે તેમને ડ્રગ્સ સપ્લાય કર્યું હતું. આ પછી ગણપત પાટીલ નગર ગલી નંબર 1માંથી ડ્રગ્સ વેચતી 52 વર્ષીય મહિલાની ધરપકડ કરી હતી. આ દરમિયાન મહિલાની પાસેથી આશરે રૂ. 2,000ની કિંમતનો 235 ગ્રામ ગાંજો રિકવર કર્યો હતો.
વધુમાં સુધીર કુડાલકરે જણાવ્યું કે, આરોપીની નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી હતી અને શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટે તેના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે અમે આગળ તપાસ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોર્ટ ટ્રસ્ટની ડિમાન્ડ નોટિસ સામે વેપારીઓ અને દક્ષિણ મુંબઈના રહેવાસીઓ ઉગ્ર વિરોધ- એકજુટ થઈને લડવાની હાકલ