ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
01 ઓક્ટોબર 2020
છેલ્લા થોડા દિવસોથી મુંબઈમાં જુદા જુદા ઠેકાણે આવેલી ઈમારતોમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધી રહી છે. ઈમારતો અને આસપાસના પરિસરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય એ માટે મહાપાલિકાએ આખી ઈમારત જ સીલ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ વેળા મહાપાલિકાએ પોતાના નિયમોમાં ફેરફાર કર્યો છે.
કોરોનાગ્રસ્ત દર્દી મળે પછી પરિસ્થિતિ અનુરુપ સંપૂર્ણ ઈમારત અથવા એનો થોડો ભાગ સીલ કરવાનો નિર્ણય લીધો છે. હવે કોઈ ઈમારતમાં 10 કરતા વધારે દર્દીઓ અથવા બે કરતા વધુ માળાઓ પર કોરોનાગ્રસ્ત દર્દીઓ મળે તો આખી ઈમારત સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. હોમ ક્વોરન્ટાઈન થયેલા દર્દીઓને જીવનાવશ્યક વસ્તુઓ પૂરી પાડવાની જવાબદારી ઈમારતના સોસાયટીના પદાધિકારીઓને સોંપવામાં આવી છે.
કોરોનાગ્રસ્ત વધુ દર્દી મળી આવતા આજની તારીખે 10,289 ઈમારતો સીલ કરવામાં આવી છે. જોકે કોરોનાગ્રસ્ત દર્દીઓ મળી આવવાથી આ પહેલાં સીલ કરેલી 28,976 ઈમારતોને અવધિ પુરી થતાં અને નવા દર્દીઓ ન મળતા ઈમારતો સીલમુક્ત થઈ છે. પરિણામે આ ઈમારતોના રહેવાસીઓએ છૂટકારાનો શ્વાસ લીધો છે.