ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 22 નવેમ્બર 2021
સોમવાર.
મુંબઈની એરકંડિશન્ડ લોકલ ટ્રેનનો પ્રવાસ હજી સસ્તો થવાનો છે. એસી લોકલના ઊંચા ભાડાને પગલે મુંબઈગરાને તેને દૂરથી જ પ્રણામ કરી રહ્યા છે. તેથી એસી લોકલને કારણે ખોટનો ધંધો કરી રહેલી રેલવેને હવે જ્ઞાન લાદયું હોવાનું કહેવામાં આવે છે. તેથી એસી લોકલના ભાડામાં ઘટાડો કરવા બાબતે રેલવે ઓથોરિટી વિચાર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વેસ્ટર્ન રેલવેને જનરલ મેનેજર અશોક કંસાલના કહેવા મુજબ મુંબઈ મેટ્રોપોલિટન રિજન માટે નવી ટ્રેન આવી રહી છે, તેથી એસી લોકલની સેવા પણ વધારવામાં આવવાની છે. મુંબઈગરાનો પ્રવાસ વધુ સરળ અને સુગમ રહે તે માટે અનેક યોજના બનાવવામાં આવી છે, જેમાં એસી લોકલનું ભાડુ ઘટાડવા બાબતે પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.
એસી લોકલનું ભાડું મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીએ મેટ્રો રેલવે માટે જે રીતે બનાવ્યું છે, તેના આધાર પર એસી લોકલ ટ્રેનનું ભાડુ નક્કી કરવામાં આવવાનું હોવાનું કહેવાય છે.
આજથી વેસ્ટર્ન રેલવેમાં આઠ વધારાની એસી લોકલની સેવા વધારવામાં આવી છે. ડિસેમ્બર 2017માં વેસ્ટર્ન રેલવે દ્વારા પ્રવાસીઓ માટે એસી લોકલની સેવા ચાલુ કરવામાં આવી હતી. ચાર વર્ષ બાદ વેસ્ટર્ન રેલવેએ તેમાં આઠ સેવા વધારવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ રેલ વિકાસ કોર્પોરેશને જે રીતે મુંબઈ અને દિલ્હી મેટ્રોના ભાડા રાખ્યા છે. તે પ્રમાણે એસી લોકલ ટ્રેનના ભાડા પણ તેણે સુધારો સુઝાવ્યો છે.
એસી લોકલના ઊંચા ભાડાને કારણે મુંબઈગરાએ તેનાથી મોઢું ફેરવી લીધું છે. પીક અવર્સમાં આવતી એસી લોકલમાં લોકો પ્રવાસ કરતા નથી. તેને કારણે એસી લોકલ પછી આવનારી ટ્રેનમાં ભારે ભીડ થતી હોય છે. એટલું જ નહીં પણ પ્લેટફોર્મ પર પણ લોકોની ભારે ભીડ થતી હોય છે. તેથી એસી લોકલના ભાડાને લઈને નિર્ણય લેવામાં આવવાનો છે.
નોન એસી ફર્સ્ટ કલાસના ભાડા કરતા પણ એસી લોકલનું ભાડું 1.3 ગણુ છે. લોકલ ટ્રેનમાં 10 ટકા લોકો ફર્સ્ટ કલાસમાં પ્રવાસ કરે છે, તો 90 ટકા લોકો સેકન્ડ કલાસમાં પ્રવાસ કરે છે.