News Continuous Bureau | Mumbai
Mumbai: મુંબઇ ( Mumbai ) શહેરના રસ્તાઓની રાણી એટલે કે કાલીપીલી ટેક્સી ( Taxi ) તરીકે વિખ્યાત ટેક્સીઓમાં મોટાભાગે પ્રિમિયર પદ્મિની ( Premier Padmini ) કાર દોડતી હતી. ૨૦ વર્ષની આવરદાને ધ્યાને લેતાં મુંબઈ આરટીઓમાં ( Mumbai RTO ) નોંધાયેલી ટેક્સી તરીકેની આખરી પ્રિમિયર પદ્મિનીનો રવિવાર તા. ૨૯મી ઓક્ટોબરે છેલ્લો દિવસ હશે. આ સાથે મુંબઈના પ્રિમિયર પદ્મિની કાલીપીલી સાથેના એક રોમાન્સનો અંત ( Farewell ) આવશે.
મુંબઈમાં કાલીપીલી ટેક્સી ( kaali peeli taxi ) તરીકે છેલ્લી પ્રિમિયર પદ્મિની ૨૯ ઓક્ટોબર, ૨૦૦૩ના નોંધાઈ હતી. MH૦૧ JA ૨૫૨૫૬ નંબરની આ ટેક્સી આગામી સોમવારથી દોડાવી શકાશે નહીં.
મુંબઇના જાહેર જીવનમાંથી જુના ડબલડેકર બાદ હવે કાલીપીલી પણ વિદાઇ થઇ રહી છે તે સાથે જાહેર પરિવહનના ઇતિહાસનો એક યુગ સમાપ્ત થઇ રહ્યો છે. મુંબઇ ટાપુ વિસ્તાર જેના કાર્યક્ષેત્રમાં આવે છે તે તારદેવ આરટીઓના એક અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઇમાં હવે સત્તાવાર રીતે પ્રિમિયર પદ્મિની ટેક્સી સોમવારથી રસ્તા પર જોવા નહીં મળે. છેલ્લી પ્રિમિયર પદ્મિની ટેક્સી પ્રભાદેવીના રહીશ અબ્દુલ કરીમ કાર્સેકરના નામે નોંધાયેલી છે. ૧૯૮૮થી ટેક્સી ચલાવતાં અબ્દુલ કરીમ પાસે એક સમયે સાત પ્રિમિયર પદ્મિની ટેક્સીઓ હતી. કાર્સેકરે જણાવ્યું હતું કે સરકાર પરવાનગી આપે તો હું આ ટેક્સીને મારા ખર્ચે જાળવી રાખવા માંગું છું.
પ્રિમિયર પદ્મિનીનો પ્રવાસ ૧૯૬૪માં શરુ થયો હતો….
થોડા વર્ષ અગાઉ મુંબઇ ટેક્સીમેન્સ યુનિયન દ્વારા સરકાર સમક્ષ એક કાલીપીલી ટેક્સીને જાળવી રાખવા માટે અરજ કરાઇ હતી. પણ તેમની કોઇ વાત સરકારે કાને ધરી નહોતી. હવે વયના ૮૦મા દાયકામાં પહોંચેલા યુનિયનના જનરલ સેક્રેટરી, એએલ ક્વાડ્રોસે જણાવ્યું હતું કે ટેક્સી તરીકે પ્રિમિયર પદ્મિનીનો પ્રવાસ ૧૯૬૪માં શરુ થયો હતો. પ્રથમ મોડેલ ફિયાટ-૧૧૦૦ હતું જેમાં ૧૨૦૦ સીસીનું એન્જિન અને સ્ટિયરિંગ વ્હીલ સાથે ગિયર બદલવાની સુવિધા અપાઇ હતી. અગાઉની મોટી ટેક્સીઓ પ્લીમાઉથ, લેન્ડ માસ્ટર અને ડોઝની સરખામણીમાં ફિયાટ ૧૧૦૦ કદમાં નાની હતી.
આ સમાચાર પણ વાંચો : Prime Minister : પ્રધાનમંત્રીએ વાલ્મિકી જયંતી પર શુભેચ્છા પાઠવી
૧૦૭૦ના દાયકામાં આ મોડેલને પ્રિમિયર પ્રેસિડેન્ટ તરીકે રીબ્રાન્ડ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને ભારતની વિખ્યાત રાણી પદ્મિનીના નામ પરથી પ્રિમિયર પદ્મિની નામ આપવામાં આવ્યું હતું જે તેના અંત સુધી જળવાઇ રહ્યું. પ્રિમિયર ઓટોમોબાઇલ લિમિટેડ-પીએએલ-દ્વારા આ કારનું ઉત્પાદન ૨૦૦૧માં બંધ કરવામાં આવ્યું હતું. પણ સ્પેર પાર્ટસના અભાવે અથવા અન્ય કારણસર સો સવાસો જેટલી પ્રિમિયર પદ્મિની ટેક્સી રજિસ્ટર્ડ થઇ શકી નહોતી. આખરે બે વર્ષ બાદ કાર ડિલર્સે તેમની નોંધણી કરાવી આપી હતી. એમ આ છેલ્લી નોંધાયેલી ટેક્સી હવે ભંગારમાં જશે.
કાલીપીલી જેવી જ દંતકથા ગણાતાં ટેક્સી યુનિયનના નેતા એંસી વર્ષના ક્વાડ્રોસે જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકારે ૨૦૦૮માં કારની આવરદા પચ્ચીસ વર્ષ નક્કી કરી તે સાથે જ નેવુંના દાયકામાં મોટાભાગની પ્રિમિયર પદ્મિની કારો ગાયબ થઇ ગઇ હતી. એ પછી સરકારે ૨૦૧૩માં ટેક્સીની વય ઘટાડી વીસ વર્ષ કરી તે સાથે કાલીપીલીનો મૃત્યુઘંટ વાગી ગયો હતો. એ પછી મારૃતિ સુઝુકી અને હ્યુન્ડાઇ કારોનો ટેક્સી તરીકે ઉપયોગ વધવા માંડયો હતો.
એક જમાનાના સ્વાતંત્ર્યવીર અને પબ્લિક ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વિઠ્ઠલ બાળકૃષ્ણ ગાંધી જેમના નામે વીબી ગાંધી માર્ગ પણ છે તેમણે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરૃને ભલામણ કરી હતી કે મુંબઇની ટેક્સીનો રંગ ઉપરના હિસ્સામાં પીળો અને નીચેના હિસ્સામાં કાળો રાખો. આ સૂચન કરવા પાછળ તર્ક એ હતો કે ઉપલો હિસ્સો પીળો હોય તો દૂરથી તેને ઓળખી શકાય અને નીચેનો હિસ્સો કાળો હોય તો તેના પર કાદવના ડાઘ દેખાય નહીં. બાદમાં સાંસદ બનેલા ગાંધીએ આમ ફોઇ બની મુંબઇગરાંની લાડકી ટેક્સીનું નામ કાલીપીલી પાડી દીધું હતું.
આ સમાચાર પણ વાંચો : Prime Minister: પ્રધાનમંત્રી શ્રી એ સંત મીરાબાઈની જયંતી પર સૌને શુભેચ્છા પાઠવી