ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 16 ફેબ્રુઆરી 2022
બુધવાર
લાંબા સમયથી રાહ જોવાઈ રહેલી ‘વોટર ટેક્સી’ સેવા ટૂંક સમયમાં જ દેશની આર્થિક રાજધાની મુંબઈમાં શરૂ થવા જઈ રહી છે. વોટર ટેક્સી સેવા, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ અને મુંબઈ પોર્ટ ટ્રસ્ટની મહત્વાકાંક્ષી યોજના છે, જે આવતીકાલે એટલે કે 17 ફેબ્રુઆરીથી શરૂ થશે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (એમએમબી) ના અધિકારીઓના જણાવ્યાનુસાર, શરૂઆતમાં ચાર ઓપરેટરોને વોટર ટેક્સી ચલાવવાની પરવાનગી આપવામાં આવશે. સ્પીડ બોટનો ઉપયોગ ટેક્સી તરીકે કરવામાં આવશે. સ્પીડ બોટની મદદથી જ લોકોની અવરજવર થશે. તો સામાન માટે કેટામરન્સનો ઉપયોગ કરવામાં આવશે. આ સેવા કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલની હાજરીમાં શરૂ કરવામાં આવશે.
આ સેવા શરૂ થયા બાદ મુંબઈ અને નવી મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે. મુંબઈ અને નવી મુંબઈ વચ્ચે વોટર ટેક્સી શરૂ કરવાની યોજના ત્રણ દાયકા જૂની હતી પરંતુ હવે તે અત્યારે ફળીભૂત થઈ છે. એક ઓપરેટર હાલમાં ડીસીટી અને બેલાપુર વચ્ચે કેટામરન માટે રૂ. 290 ચાર્જ કરી રહ્યા છે. આ રૂટ ઉપરનો માસિક પાસ માટેનો દર 12 હજાર રૂપિયા છે. કેટમેરન્સની મદદથી આ યાત્રા 40થી 50 મિનિટમાં પૂર્ણ કરી શકાય છે. સ્પીડ બોટનું ભાડું 800થી 1200 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ ભાડું ડીસીટીથી બેલાપુર વચ્ચેનું હશે અને બંને વચ્ચેનું અંતર 25થી 30 મિનિટમાં કાપી શકાશે. એકવારવોટર ટેક્સી સેવા શરૂ થતાં 1.5 કલાકની મુસાફરીનો સમય ઘટીને 45 મિનિટમાં પૂર્ણ થશે.
મુંબઈ પોર્ટ ટ્રસ્ટ, મહારાષ્ટ્ર મેરીટાઇમ બોર્ડ (એમએમબી) અને સિડકોએ આ પ્રોજેક્ટ પર સાથે મળીને કામ કર્યું છે. વોટર ટેક્સી માટે ત્રણ રૂટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલો રૂટ દક્ષિણ મુંબઈમાં ડોમેસ્ટિક ક્રૂઝ ટર્મિનલ અને નવી મુંબઈમાં બેલાપુર વચ્ચેનો છે. બીજો માર્ગ બેલાપુર અને એલિફન્ટા ગુફાઓ વચ્ચેનો છે અને ત્રીજો માર્ગ બેલાપુર અને જેએનપીટી (જવાહર લાલ નહેરુ બંદર) વચ્ચેનો છે. બાદમાં વોટર ટેક્સીઓને માંડવા, રેવાસ, કરંજા જેવા સ્થળો સાથે જોડવામાં આવશે.