News Continuous Bureau | Mumbai
Mumbai Police Property Return Program મુંબઈ પોલીસ માત્ર ગુનેગારોને પકડવામાં જ નહીં, પણ સામાન્ય જનતાની મહેનતની કમાણી તેમને સુરક્ષિત રીતે પરત અપાવવામાં પણ અગ્રેસર છે. મુંબઈ પોલીસના ઝોન 7 દ્વારા તાજેતરમાં આયોજિત એક વિશેષ ‘પ્રોપર્ટી રિટર્ન’ કાર્યક્રમમાં અંદાજે ₹1.91 કરોડની કિંમતની ચોરી કે ગુમ થયેલી મિલકત તેના મૂળ માલિકોને સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એડિશનલ પોલીસ કમિશનર (ઇસ્ટ રીજન) ના નેતૃત્વ હેઠળ નાગરિકોને સીધો સામાન પરત મળતા પોલીસ પ્રત્યેનો તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો હતો.મુંબઈ પોલીસના ઝોન 7 હેઠળ આવતા મુલુંડ, ભાંડુપ, વિક્રોલી અને કાંજુરમાર્ગ જેવા વિસ્તારોમાં નોંધાયેલા વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલીને પોલીસે આ કિંમતી મુદ્દામાલ રિકવર કર્યો છે.
1,000 થી વધુ મોબાઈલ અને સોના-ચાંદીની રિકવરી
આ વિશેષ ઝુંબેશ દરમિયાન પોલીસે વિવિધ કેસોમાં ચોરી થયેલા અથવા ગુમ થયેલા કુલ 1,087 નંગ મોબાઈલ ફોન હસ્તગત કર્યા છે. મોબાઈલ સ્નેચિંગનો ભોગ બનેલા અનેક યુવાનો અને કામદારોને તેમના ફોન પરત મળ્યા હતા. આ ઉપરાંત, પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા પચાવી પાડેલા 23 તોલા સોનાના દાગીના, 2 કિલો ચાંદી અને મોટી માત્રામાં રોકડ રકમ પણ જપ્ત કરી છે, જે હવે તેના મૂળ માલિકોને સોંપવામાં આવી છે.
ઝડપી પ્રક્રિયા અને ‘પ્રોપર્ટી રિટર્ન’ મેળો
સામાન્ય રીતે પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો સામાન કોર્ટની લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ માલિકને સોંપવામાં આવતો હોય છે. જોકે, ઝોન 7 પોલીસની ટીમે ‘મુદ્દામાલ રિટર્ન એપ્લિકેશન’ ની પ્રક્રિયા ઝડપી બનાવી હતી. આવા વિશેષ મેળાનું આયોજન કરીને પોલીસે સીધો સામાન માલિકોને સોંપ્યો હતો, જેથી નાગરિકોએ કોર્ટના ચક્કર કાપવામાંથી મુક્તિ મળી હતી.
આ સમાચાર પણ વાંચો : Oscars 2026 Winners List: ઓસ્કાર 2026 માં આ ફિલ્મે મચાવી ધૂમ: એકસાથે જીત્યા અધધ આટલા એવોર્ડ, જાણો કઈ કેટેગરીમાં મારી બાજી અને ક્યાં ચૂકી ગઈ ફિલ્મ
નાગરિકોમાં સંતોષ અને પોલીસની કામગીરીની પ્રશંસા
ઘરફોડી અને મોબાઈલ ચોરી જેવી ઘટનાઓનો ભોગ બનેલા નાગરિકો જ્યારે પોતાનો સામાન પરત મેળવવા પહોંચ્યા, ત્યારે તેમના ચહેરા પર ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો. અનેક લોકોએ પોલીસની કાર્યક્ષમતા અને સંવેદનશીલતાની પ્રશંસા કરી હતી. પોલીસે આ પ્રસંગે નાગરિકોને સાવચેત રહેવા અને ગુમ થયેલા સામાનની તાત્કાલિક ફરિયાદ નોંધાવવા પણ અપીલ કરી હતી.
