ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 જૂન 2021
બુધવાર
મુંબઈમાં છેલ્લા કેટલાક કલાકોથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં સમય કરતાં ત્રણ દિવસ વહેલું ચોમાસું આવી પહોંચ્યું છે. વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાયાં છે અને એની અસર ટ્રાફિક સિસ્ટમ ઉપર પડી છે. શહેરના કિંગ્સ સર્કલ ખાતે વરસાદને કારણે રસ્તા પર એટલું પાણી એકઠું થઈ ગયું હતું કે ફોર વ્હીલરનાં પૈડાં અડધાં પાણીમાં ડૂબી ગયાં હતાં. ગટરની સફાઈ ન થવાને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ હતી.
કૉન્ગ્રેસના નેતા સંજય નિરૂપમે સીઝનના પહેલા વરસાદમાં જ મુંબઈની હાલત કથળી જવા બદલ બૃહદ્ મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પર નિશાન સાધ્યું છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે, 'મુંબઈ વરસાદની ગોદમાં છે. દરેક જગ્યાએ અંધકાર છે. અંધેરી સબ-વે, મિલન સબ-વેથી આગળ નીકળી ગયો છે. કિંગ્સ સર્કલ અને માટુંગા પાણીમાં તરી રહ્યાં છે. ખબર નહીં BMCએ સો કરોડનો ખર્ચ કરીને કઈ ગટરો સાફ કરી? પહેલા દિવસે જ આ સ્થિતિ! '
નોંધનીય છે કે હાલમાં મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ અને કૉન્ગ્રેસની ગઠબંધનવાળી સરકાર છે. BMC વિશે વાત કરીએ તો હાલ શિવસેનાની મેયર છે. એક સમયે શિવસેનામાં રહેલા સંજય નિરૂપમે મુંબઈ વરસાદ ઉપર નારાજગી વ્યક્ત કરતાં તેમની 'પૂર્વ પાર્ટી' પર નિશાન સાધ્યું છે.