ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર.
પહેલી ડિસેમ્બરથી મુંબઈની ચાલુ થનારી શાળાઓ હવે 15 ડિસેમ્બરથી શરૂ થશે. મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ ચહલે આજે સવારના નવો સર્ક્યુલર બહાર પાડીને 1 ડિસેમ્બરને બદલે 15 ડિસેમ્બરથી પહેલીથી સાતમા ધોરણના વર્ગો શરૂ કરવાનો નિર્ણય લીધો છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની બીજી લહેર નિયંત્રણમાં છે. તેથી, રાજ્ય સરકારે 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 7 સુધીની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. તે મુજબ રાજ્યમાં પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. જો કે છેલ્લા થોડા દિવસોમાં કોરોનાનો નવો વેરિયન્ટ દક્ષિણ આફ્રિકા અને કેટલાક યુરોપિયન દેશોમાં ફેલાયો છે. વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં હજારો પ્રવાસીઓ દક્ષિણ આફ્રિકા અને યુરોપિયન દેશોમાંથી ભારતમાં આવ્યા છે. તેથી રાજ્ય સરકાર અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસનને એલર્ટ કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે તાજેતરમાં 1 ડિસેમ્બરથી ધોરણ 1 થી 7 સુધીની શાળાઓ શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. પરંતુ હવે રાજ્ય સરકાર અને મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન એલર્ટ થઈ ગઈ છે. હજી સોમવાર સાંજ સુધી પાલિકા અને સરકાર પહેલી ડિસેમ્બરથી જ શાળા શરૂ થશે એવુ ગાણું ગાઈ રહી હતી. મુંબઈ સહિત રાજ્યની સરકારી, મ્યુનિસિપલ અને ખાનગી શાળાઓએ 1 ડિસેમ્બરથી શાળાઓ શરૂ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. જોકે હવે નવો કોરોના વાયરસ સામે આવ્યો હતો. ઉપરાંત, વાલીઓ થોડા ચિંતિત હતા કારણ કે શાળા શરૂ થઈ રહી હતી જ્યારે વિદ્યાર્થીઓને હજુ સુધી રસી આપવામાં આવી ન હતી. તેથી મંગળવારે સવારે મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ ચહલે મ્યુનિસિપલ શિક્ષણ વિભાગના અધિકારીઓ અને વરિષ્ઠ અધિકારીઓની તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ધોરણ 1 થી 7 સુધીની શાળાઓ 1લી ડિસેમ્બરને બદલે 15 ડિસેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.