ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન ૨૦૨૧
શનિવાર
રેલવે ટ્રેક, સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ સાધનોની જાળવણી માટે આવતી કાલે (રવિવારે) પશ્ચિમ રેલવે દ્વારા મરીન લાઇન્સ અને માહિમ જંક્શન સ્ટેશનો વચ્ચે ડાઉન સ્લો લાઇન પર 10.35 વાગ્યાથી 15.35 સુધી જમ્બો બ્લૉક રહેશે.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા જારી કરાયેલી એક અખબારી યાદી મુજબ, જમ્બો બ્લૉક દરમિયાન તમામ ધીમી ગતિએ ચાલતી ટ્રેનોને મરીન લાઇન્સ અને માહિમ જંક્શન તરફ ફેરવવામાં આવશે. ફાસ્ટ લાઇન પર પ્લૅટફૉર્મની ઉપલબ્ધતા ન હોવાને કારણે આ ટ્રેનો મહાલક્ષ્મી, પ્રભાદેવી અને માટુંગા રોડ સ્ટેશનો પર ઊભી રહેશે નહીં. બ્લૉક દરમિયાન, મુસાફરો બાંદ્રા અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચેનાં સ્થળોની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરી શકશે.
જમ્બો બ્લૉક દરમિયાન ડાઉન દિશામાંની તમામ ધીમી ટ્રેનોને ચર્ચગેટ અને માહીમ જંક્શન સ્ટેશનો વચ્ચે ડાઉન ફાસ્ટ લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને એને લોઅર પરેલ અને માહિમ જંક્શન સ્ટેશન પર ડબલ હૉલ્ટ આપવામાં આવશે. આ બ્લૉક દરમિયાન અપ અને ડાઉન દિશાની કેટલીક ઉપનગરીય ટ્રેનો રદ રહેશે.