ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020
મુંબઈની હવામાં પ્રદુષણ નું પ્રમાણ ઘટાડવા માટે પ્રશાશને એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જુહુના દરિયાકિનારે નોવોટેલ હોટેલને અડીને આવેલા 4000 સ્ક્વેર ફુટના સુનીલ દત્ત ગાર્ડનને હવે નવાં રૂપરંગ સાથે મુંબઈનો પહેલો ઑક્સિજન ગાર્ડન બનાવાશે. નોંધપાત્ર વાત એ છે કે અવાવરું બની ગયેલા આ સુનીલ દત્ત ગાર્ડનમાં ગર્દુલ્લાઓ, દારૂડિયાઓ અને લુખ્ખા મવાલીઓ અડ્ડો જમાવીને બેસી જતા હતા. એથી મુંબઈગરા ત્યાં પરિવાર સાથે જવાનું ટાળતા હતા. એ પછી ત્યાંના નગરસેવક એ નાશિકમાં જોયેલા ઑક્સિજન ગાર્ડન જેવો ગાર્ડન ત્યાં બનાવવાનું વિચાર્યું હતું. તેમણે આ બાબતે પ્રયાસ કરીને એ ગાર્ડનની જમીન જે પહેલાં મ્હાડા પાસે હતી એ બીએમસીને ટ્રાન્સફર કરાવી. એ પછી ત્યાં ઑક્સિજન ગાર્ડન બનાવવાનો પ્રસ્તાવ બીએમસીમાં મૂક્યો હતો, જે હવે મંજૂર થઈ ગયો છે. આ ઑક્સિજન ગાર્ડન બનાવવા માટે પાલિકાને 42 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.
બીએમસીના આર્કિટેક્ટના જણાવ્યા મુજબ ‘એ ગાર્ડન સમુદ્રકિનારે હોવાથી મુખ્ય ભૂમિકા હૉર્ટિકલ્ચરની રહેશે. દરિયાની ખારી હવા અને ત્યાંની રેતાળ જમીનમાં તેમણે વધુ પ્રાણવાયુ અને છાંયડો આપે એવાં તુલસી, પીપીળો જેવાં ઝાડ અને છોડ રોપવાનાં પડશે. એટલું જ નહીં, એ ઉછરે અને એનું જતન પણ થાય એ જરૂરી છે. ઉપરાંત જરૂરિયાત પ્રમાણેના ફ્લાવર બેડ બનાવવામાં આવશે. વળી ત્યાં જૉગિંગ ટ્રૅક અને સી વ્યુ ડેક બનાવવામાં આવશે. મુંબઈના કોળીનું મ્યુરલ પણ બનાવાશે સાથે જ સુરક્ષાની દૃષ્ટિએ ત્યાં અસામાજિક તત્વો અડ્ડો ન જમાવે એ માટે ગાર્ડનને ફૅન્સિંગ પણ કરાશે. હાલ આ બાબતે પ્લાનિંગ ચાલી રહ્યું છે. આ ગાર્ડન 2022 સુધીમાં તૈયાર થઈ જાય એવી શક્યતા છે.’ આમ હવે મુંબઈના દરિયા કિનારે ફરવા આવતા પ્રવાસીઓ ને ઓક્સિજન ગાર્ડન ના રૂપમાં વધુ એક નજરાણું જોવા મળશે.