News Continuous Bureau | Mumbai
મુંબઈમાં લોકલ ટ્રેન એ મહાનગરની લાઈફલાઈન છે, તેથી મેટ્રો શહેરી પરિવહનમાં નવા આયામો ઉમેરી રહી છે. 2 એપ્રિલે, ગુડી પડવાના અવસર પર એટલે કે આજથી મુંબઈ મેટ્રોની બે નવી લાઈનો પર પરિવહન શરૂ થશે. મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે બીજી મેટ્રો રેલવે લાઇનને લીલી ઝંડી આપશે.
મુંબઈમાં પહેલી મેટ્રો રેલ્વે લાઈન 8 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી અને બીજી રેલવે લાઈન હવે આજથી શરૂ થવા જઈ રહી છે. આ બંને મેટ્રો રૂટ શરૂ થવાથી મુંબઈવાસીઓને ટ્રાફિક જામથી છૂટકારો થશે. આ બંને રૂટમાં પહેલા તબક્કામાં 20 કિલોમીટર પર ટ્રેન શરૂ થશે. એ પછી બીજા તબક્કામાં 15 કિલોમીટરનો માર્ગ શરૂ થશે. હજી કેટલાક મેટ્રો સ્ટેશનનું કામ બાકી છે. આ કામ અને જરૂરી પરવાનગીઓ મળ્યા પછી બીજા તબક્કામાં મેટ્રો ટ્રેન દોડશે. મુંબઈ મેટ્રોના આ બંને રૂટ માટે ટિકિટના દર લઘુતમ 10 રૂપિયા અને મહતમ 80 રૂપિયા હશે. મેટ્રો-2એ અને મેટ્રો-7ના પહેલા તબક્કા માટે કુલ 10 ટ્રેન વાપરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : સાવધાન!! આવતા અઠવાડિયામાં પૂર્વ ઉપનગરના આ વિસ્તારમાં થશે પાણી પુરવઠાને અસર.. જાણો વિગતે
મુસાફરોને મુંબઈના ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવવા માટે મેટ્રોના પ્રથમ તબક્કા હેઠળ મેટ્રો 7 અને મેટ્રો 2A કોરિડોરના ડહાણુકરવાડીથી આરે સ્ટેશન વચ્ચે આ સેવા શરૂ કરવામાં આવી રહી છે. મેટ્રો 7નું બાંધકામ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેની નજીક છે અને મેટ્રો 2A કોરિડોર SV રોડ નજીક છે. મેટ્રોની સુવિધાજનક સેવાને કારણે લોકો પોતાના અંગત વાહનોને બદલે મેટ્રોમાં મુસાફરી કરવાનું પસંદ કરશે. આનાથી ઇંધણની બચત થશે તેમજ મુસાફરોના નાણાંની પણ બચત થશે. આ ઉપરાંત ટ્રાફિકમાં પણ લગભગ 30 થી 40 ટકાનો ઘટાડો થશે.