ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,20 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈની સ્કૂલો ફરી કયારે ખુલશે એનો વિદ્યાર્થીઓની સાથે જ વાલીઓ રાહ જોઈ રહ્યા છે ત્યારે મુંબઈમાં 27 જાન્યુઆરી સુધીમાં સ્કૂલ ફરી ચાલુ કરવાનું પ્લાનિંગ હોવાનો દાવો મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઈકબાલસિંહ ચહલે કર્યો છે. એટલું જ નહીં પણ મુંબઈમાં આગામી દિવસોમાં કોરોનાના દર્દીની સંખ્યામાં પ્રતિદિન 1000 સુધી આવી જશે એવો દાવો પણ તેમણે કર્યો છે.
મુંબઈમાં 21 ડિસેમ્બરથી ત્રીજી લહેરનું આગમન થયું હોવાનું પાલિકાના આંકડા પરથી જણાય છે. પહેલી અને બીજી લહેર કરતા ત્રીજી લહેરમાં કોરોના દર્દીની સંખ્યા ઝડપભેર વધી ગઈ છે. કોરોના સંક્રમિત લોકોની સંખ્યા ખાસ્સી એવી વધી રહી હતી તેમાં પણ ઓમીક્રોનના કેસમાં વધારો જોવા મળ્યો હતો. ત્રીજી લહેર જે ઝડપે લોકોને પોતાની ચપેટમાં લઈ રહી હતી, તેને જોતા તકેદારીના પગલારૂપે રાજ્ય સરકારે મુંબઈ સહિત સમગ્ર રાજ્યમાં ૧૫ ફેબ્રુઆરી સુધી સ્કૂલ બંધ કરી નાખી હતી.
હવે મુંબઈમાં દર્દીની સંખ્યા નીચે જઈ રહી છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી દર્દીની સંખ્યા 6,000ની આસપાસ સ્થિર થઈ છે. પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલના કહેવા મુજબ મુંબઈમાં કોરાનાની ત્રીજી લહેર તેની પીક પોઈન્ટને પાર કરી ચૂકી છે. તેથી આગામી દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યા રોજના 1000થી 2,000 જેટલી નીચે આવી જશે. તેથી મુંબઈની સ્કૂલો 27 જાન્યુઆરી સુધી ચાલુ કરવામાં કોઈ વાંધો નથી.
કમિશનરે એક ઈંગ્લિશ મિડિયાના આપેલી માહીતી મુજબ મુંબઈમાં 10 જાન્યુઆરીની આસપાસ કોરોના તેના પીક પોઈન્ટ પર હતો. 26 જાન્યુઆરી સુધી દર્દીન સંખ્યા 1000ની આસપાસ પહોંચે એવો અંદાજો છે. મુંબઈમાં સાત જાન્યુઆરી 20,971 કોરોના કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ 28.9 ટકા હતો. જે અત્યાર સુધીના સૌથી હાઈએસ્ટ છે. ગયા વર્ષે 3 એપ્રિલના 11,573 કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ 23 ટકા હતા.