ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 જાન્યુઆરી 2022
મંગળવાર
ભારત સહિત દુનિયાભરમાં કોરોનાએ ફરી ભારે ઉથલો માર્યો છે. દેશમાં દિન-પ્રતિદિન કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ત્યારે નવા વર્ષની ઉજવણી માટે કૉર્ડેલિયા ક્રૂઝ જહાજથી ગોવા જનારા મુસાફરની મુશ્કેલી વધી ગઈ છે. કારણ કે ક્રૂઝનો એક ક્રૂ મેમ્બર કોરોના પોઝિટિવ આવ્યા બાદ તમામના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. 2000 હજાર લોકોને લઈને જઈ રહેલુ આ જહાજ એક ક્રૂ સ્ટાફ કોરોનાથી સંક્રમિત છે. ક્રૂઝ પર રેન્ડમ થયેલા કોવિડ ટેસ્ટિંગમાં પોઝિટીવ કેસ મળવાથી હડકંપ મચી ગયો છે. હાલ દર્દીને જહાજમાં જ આઈસોલેશનમાં રાખવામાં આવ્યો છે. મળેલી માહિતી અનુસાર, ક્રુઝમાં હાજર મુસાફરો અને ક્રૂ મેમ્બર્સની તપાસ કરવામાં આવી રહી છે.
હવે તેમના ટેસ્ટની રાહ જાેવાઈ રહી છે. આરટી-પીસીઆર ટેસ્ટનું પરિણામ જાહેર ન થાય ત્યાં સુધી કોઈને જહાજમાંથી ન ઉતરવા માટે કહ્યું છે. આ જહાજ હાલમાં મોર્મુગાવ પોર્ટ ક્રુઝ ટર્મિનલ પાસે સ્થિત છે. મુંબઈ પોર્ટ ટ્રસ્ટે ક્રુઝને ગોવામાં ગ્રાઉન્ડ કરવાની મંજૂરી ન આપ્યા બાદ મોર્મુગાવ પોર્ટ નજીક ગ્રાઉન્ડ કરવામાં આવ્યું છે.
મુંબઈમાં સોમવારે 8,082 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં બે સંબંધિત મૃત્યુ નોંધાયા છે. રવિવારે 8,063 કેસ નોંધાયા હતા. બીજી તરફ કોરોનાનો નવો વેરીઅન્ટ એટલે કે ઓમિક્રોનના દર્દીઓ પણ વધી રહ્યા છે. ત્યારે લોકોમાં ક્યાંકને ક્યાંક લોકડાઉનની ભીતી છે.