ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની સંખ્યા 9થી વધારી ને 236 કરવાનો રાજ્ય સરકારે લીધો હતો. તેને રાજયના શિયાળું અધિવેશનના છેલ્લા દિવસે વિધીમંડળે મંજૂરી આપી હતી. આ નિર્ણયને કારણે હવે મુંબઈમાં નગરસેવકોની સંખ્યા 227માંથી 236 થઈ જશે.
વિરોધપક્ષ ભાજપે સરકારના આ નિર્ણય સામે અગાઉ પણ વિરોધ કર્યો હતો અને તેઓએ આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે. 2011માં જનગણના થઈ નથી. તેથી જૂની લોકસંખ્યાને આધારે વોર્ડની સંખ્યા કેવી રીતે વધારી શકાય એવો વિરોધ ભાજપે કર્યો હતો. વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે તેની સામે આકરો વિરોધ નોંધાવ્યો હતો.
જોકે 2011ની જનગણના મુજબ વોર્ડની સંખ્યા વધારવામાં આવી હોવાની માહિતી વિધીમંડળમાં નગરવિકાસ મંત્રી એકનાથ શિંદેએ આપી હતી. હાલ મુંબઈમાં વોર્ડની સંખ્યા 227 છે, તે 2001ની જનગણના મુજબ છે. 2011ની જનગણના બાદ નગરસેવકોની સંખ્યા વધારવામાં આવી નહોતી. 2011ની જનગણના જોઈતે 2001થી 2011 સુધીમાં મુંબઈની લોકસંખ્યામાં 3.87 ટકાનો વધારો થયો હોવાની માહિતી પણ અધિવેશનમાં આપવામાં આવી હતી.