ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 ડિસેમ્બર 2021
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ સત્તાધારી પાર્ટી શિવસેનાએ ફરી એક વખત મુંબઈગરાને પોતાની તરફ વળવા નવી જાહેરાત કરી છે. મુંબઈમાં ૫૦૦ ચોરસફૂટથી નીચેના ઘરને પ્રોપર્ટી ટૅક્સમાં પૂર્ણ રીતે માફી મળે તે માટે પ્રક્રિયા ચાલી રહી હોવાની માહિતી નગરવિકાસ પ્રધાન એકનાથ શિંદેએ અધિવેશનમાં આપી હતી. સરકારના આ પગલાથી મુંબઈ મહાનગરપાલિકાને વાર્ષિક 340 કરોડ રૂપિયાની આવકથી હાથ ધોવા પડશે.
શિવસેનાએ ૨૦૧૭ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીના ઢંઢેરામાં ૫૦૦ ચોરસ ફૂટ સુધીના ઘરને પ્રોપર્ટી ટૅક્સમાં રાહત જાહેરાત કરી હતી. હાલ મુંબઈમાં ૫૦૦ ચોરસ ફૂટ સુધીના ઘરોને પ્રોપર્ટી ટૅક્સમાં માફી છે, જોકે તેમાં ૧૦૦ ટકા માફી નથી. પ્રોપર્ટી ટૅક્સમાં રહેલા જુદા જુદા ટૅક્સમાંથી ફક્ત જનરલ ટૅક્સમાં જ માફી છે. તેથી સત્તાધારી શિવસેનાએ એક રીતે મતદારોને મૂર્ખ જ બનાવ્યા હોવાનું કહેવાય છે.
જોકે હવે 500 ચોરસ ફૂટથી નીચેના ઘરોને પ્રોપર્ટી ટેક્સમાં પૂર્ણપણે માફી આપવાની પ્રક્રિયા ચાલી રહી હોવાની માહિતી એકનાથ શિંદેએ મંગળવારે અધિવેશનમાં આપી હતી. બહુ જલદી તેના પર નિર્ણય લેવાશે એવું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું.
ચાલો આખરે નક્કી થઈ ગયું. મુંબઈ મહાનગરપાલિકાના આ વોર્ડનું આગામી વર્ષમાં વિભાજન થશે; જાણો વિગત