ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 નવેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈ ક્રુઝ પ્રકરણની તપાસ કરનાર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(NCB)ના મુંબઈ ઝોનલના ડિરેક્ટર સમીર વાનખેડેના ધર્મને લઈને દિવસેને દિવસે વિવાદ વધુ વકરી રહ્યો છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે સમીર વાનખેડેનું સ્કૂલ એડમિશન ફોર્મ અને પ્રાયમરી સ્કૂલ લિવિંગ સર્ટિફિકિટને જાહેર કર્યું હતું, જેમાં તેમનો ધર્મ મુસ્લિમ લખવામાં આવ્યો છે. આ અગાઉ પણ નવાબ મલિકે સમીર વાનખેડેએ બોગસ સર્ટિફિકેટ થી સરકારી નોકરી મેળવી હોવાનો આરોપ કરી ચૂક્યા છે.
નવાબ મલિકે લિવિંગ સર્ટિફિકેટ બહાર પાડવાના થોડા કલાકોમાં જ સમીર વાનખેડેની પત્ની ક્રાંતી રેડેકરે પણ ટ્વીટર પર પોતાના પતિનું બર્થ સર્ટિફિકેટ જાહેર કર્યું હતું, જેમાં તેમનો ધર્મ હિંદુ લખવામાં આવ્યો હતો. જોકે ટવીટ કરવાના થોડી મિનિટોમાં જ તેમણે પોતાનું ટ્વીટ ડીલીટ કરી નાખ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ નવાબ મલિક સામે કોર્ટમાં 1.25 કરોડ રૂપિયાના વળતર સાથે માનહાનીનો દાવો કર્યો છે, તેની સામે નવાબ મલિકે હાઈ કોર્ટમાં બુધવારે સંબંધિત દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા હતા. સમીર વાનખેડેને લઈને દસ્તાવેજો પબ્લિક ડોમેન પર જાહેર કરવા પહેલા વિગતો તપાસી હતી કે એવા સવાલ કોર્ટે નવાબ મલિકને કર્યા હતા. એ સંબંધમાં તેમણે કોર્ટમાં એફિડેવિટ પણ દાખલ કરીને કહ્યું હતું કે તેમની પાસે પૂરતા દસ્તાવેજો છે.