News Continuous Bureau | Mumbai
મુંબઈના રસ્તા પર વધતી જતી ટ્રાફિકની સમસ્યાનો તોડ કાઢવા માટે મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે “નો પાર્કિંગ નો કાર” ના પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યા છે. એટલે કે જયાં સુધી પર્યાપ્ત પ્રમાણમાં પાર્કિંગ ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી નવી કારનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહીં.
પોલીસ કમિશનરના કહેવા મુજબ મુંબઈમાં ઓટો રિક્ષા અને ટેક્સી ખરીદવા પહેલા તેમને પાર્કિંગ માટે જગ્યા બતાવવાની હોય છે. પરંતુ ખાનગી કાર ખરીદનારાને એ બાબતે પૂછવામાં આવતું નથી. મુંબઈના રસ્તા પર દરરોજની નવી 600 કારનો ઉમેરો થાય છે. તેથી હવે તે બાબતે વિચાર કરવાનો સમય આવી ગયો છે.
પાર્કિંગ મુદ્દે કરેલા ટ્વિટમાં સંજય પાંડેય લખ્યું હતું કે “નો પાર્કિંગ નો કાર પોલિસી” અમલમાં લાવવાનો વિચાર છે. આ બાબતે કાર કંપનીઓ સાથે પણ તેઓ ચર્ચા કરવાના છે. જયાં સુધી પાર્કિંગ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી નવી કારના રજીસ્ટ્રેશન પર કરવા પર હાલ પૂરતો પ્રતિબંધ મૂકવા બાબતે કાર ઉત્પાદક કંપનીઓ સાથે પણ ચર્ચા કરવામાં આવવાની છે.
આ સમાચાર પણ વાંચો : કોના બાપની દિવાળી? જીમખાના, ક્લબ અને સ્પોર્ટ કોમ્પલેક્સમાં વિધાનસભ્યોને મળશે મેમ્બરશીપ.. જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈના રસ્તાઓને ટ્રાફિક મુક્ત કરવા માટે કમિશનર અનેક યોજનાઓ અમલમાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જે હેઠળ થોડા દિવસ પહેલા જ ખાર અને બાંદ્રામાં અમુક રસ્તા પર ઓડ-ઈવન પાર્કિંગની યોજનાને લાગુ કરવામાં આવી હતી. તેને મળેલી સફળતા બાદ હવે પૂર્વ અને મધ્ય મુંબઈના વિસ્તારમાં પણ આ યોજના અમલમાં લાવવાનો તો વિચાર કરી રહ્યા હોવાનું તેમણે કહ્યું હતું.