ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
27 નવેમ્બર 2020
રેલ્વેએ ફરી એકવાર ઘોષણા કરી છે કે મહિલાઓને તેમના બાળકોને મુંબઇ લોકલ ટ્રેનમાં લઈ જવા પર પ્રતિબંધ છે. સ્થાનિક ટ્રેનોમાં મોટી સંખ્યામાં મહિલા મુસાફરો તેમના બાળકો સાથે મુસાફરી કરતી હોવાનું જાણવા મળ્યા બાદ ફરી એકવાર આ નિર્ણયની ઘોષણા કરવામાં આવી છે. આ નિયમ મધ્ય રેલ્વે અને પશ્ચિમ રેલ્વે બંને રૂટ પર લાગુ રહેશે. હવે લોકલ ટ્રેનોમાં મહિલાઓ સાથે બાળકો પ્રવાસ ન કરે તેની તકેદારી રાખવાનું કામ રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ને સોંપવામાં આવ્યું છે. તેથી દરેક ઉપનગરીય રેલવે સ્ટેશન પર આરપીએફના અધિકારીઓ હાજર રહેશે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સરકારે 'મિશન બિગેન અગેન' અંતર્ગત, ઓક્ટોબર-અંતમાં મહિલાઓને મુંબઈની લોકલ ટ્રેનમાં નિયત સમય દરમ્યાન પ્રવાસ કરવાની છૂટ આપી હતી. એ છૂટ અનુસાર મહિલાઓ પ્રવાસ કરે ત્યારે તેમની સાથે નાના બાળકોને પણ લઈ જતી હોવાની રેલવે સત્તાવાળાઓએ નોંધ લીધી છે. તેથી મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેના સત્તાતંત્રોએ હાલના સંજોગોમાં બાળકોને ટ્રેનમાં લઈ જવા ઉચિત નહીં હોવાની સૂચના સાથે બાળકોને લોકલ ટ્રેનોમાં પ્રવાસ પર પ્રતિબંધ લાદયો છે.
આપને જણાવી દઈએ કે ગત 21 ઓક્ટોબરથી સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી અને સાંજે 7 વાગ્યાથી અંતિમ ટ્રેન સુધી પ્રવાસની છૂટ આપવામાં આવી હતી.