ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
મુંબઈમાં લગભગ કોરોનાની ત્રીજી લહેર ઓસરી ગઈ છે. આ સાથે રોજિંદા દર્દીઓનું પ્રમાણ પણ 150થી નીચે આવી ગયું છે. સંક્રમણનો ફેલાવો ઓછો થયો હોવાથી શહેરમાં રસીકરણ ઠંડુ પડ્યું છે. પરિણામે પ્રિકોશન ડોઝ પર એની અસર થઈ છે. ઓમિક્રોનનો ફેલાવો ઝડપથી થતો હોવાથી એ ડરના કારણે પ્રિકોશન ડોઝ લેવા માટે રસીકરણ કેન્દ્રોમાં લાઈન લાગતી હતી. એમાં 60 વર્ષથી ઉપરના નાગરિકોની સંખ્યા વધારે હતી. પણ ફેબ્રુઆરીથી લહેર ઓસરી રહી હોવાથી પ્રિકોશન ડોઝ લેનારાની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
મીડિયામાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં શહેરમાં દરરોજ લગભગ 9 થી 10 હજાર લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવતો હતો. છેલ્લા થોડા દિવસમાં એમાં ઘટાડો થઈ એનું પ્રમાણ 2 હજાર 500 પર આવ્યું છે. શહેરમાં લગભગ 10 લાખ 66 હજાર વરિષ્ઠ નાગરિકોએ બીજો ડોઝ લીધો છે. એમાંથી 18 ટકા એટલે કે 1 લાખ 92 હજાર નાગરિકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. અત્યાર સુધી શહેરમાં કુલ 3 લાખ 27 હજાર 558 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો છે. આ આંકડા સૂચવે છે કે બૂસ્ટર ડોઝને મોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
જોકે મુંબઈ મહાનગરપાલિકા હોસ્પિટલના ડોકટરોનું માનવું છે કે, ત્રીજી લહેરમાં મોટા ભાગના આરોગ્ય અને અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. તેથી આ જૂથમાં પ્રિકોશન ડોઝ લેનારનું પ્રમાણ સરખામણીએ ઘણું ઓછું છે. કોરોનાગ્રસ્ત થયા પછી લગભગ ત્રણ મહિને પ્રિકોશન ડોઝ લઈ શકાય છે. તેથી મોટા ભાગના કર્મચારીઓ એપ્રિલ પછી પ્રિકોશન ડોઝ માટે પાત્ર થશે.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 16મી જાન્યુઆરી 2021થી કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓ, ફ્રન્ટલાઇન વર્કસ અને ત્યારબાદ વરિષ્ઠ નાગરિકો નક્કી કરવામાં આવ્યા હતા.