ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૮ જૂન ૨૦૨૧
સોમવાર
કોરોનાના બદલાતાં રૂપ સાથે ડેલ્ટા વેરિયન્ટના કારણે રાજ્યભરમાં લાદવામાં આવેલા પ્રતિબંધોની પૃષ્ઠભૂમિ સામે મુંબઈગરા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના ત્રીજા સેરો સર્વેમાં 50 ટકાથી વધુ બાળકોમાં એન્ટિબૉડીઝ મળી આવી છે. 6થી 18 વર્ષની વયનાં બાળકોનો મે અને જૂનમાં મુંબઈના 24 વૉર્ડમાં આ સર્વે કરવામાં આવ્યો હતો.
ત્રીજી લહેરમાં નાનાં બાળકોને કોરોનાનું જોખમ વધારે હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. એથી સેરો સર્વેનાં પરિણામો આશાસ્પદ માનવામાં આવે છે. સર્વે માટે કુલ 2176 બાળકોના નમૂના લેવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના ઍડિશનલ કમિશનર સુરેશ કાકાણીએ મીડિયાને જણાવ્યું હતું કે મુંબઈમાં 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોનો સેરો સર્વે કરવામાં આવ્યો હતો. પહેલી એપ્રિલથી ૧૫ જૂન દરમિયાન પાલિકાના 24 વૉર્ડમાં બાળકોના નમૂના લેવામાં આવ્યા છે.
આમાં જાણવા મળ્યું છે કે 50 ટકાથી વધુ બાળકોમાં ઍન્ટિબોડીઝ વિકસિત થઈ છે. દરેક વૉર્ડનાં100 બાળકોના નમૂના કોઈ માપદંડ વિના લેવામાં આવ્યા હતા. આ સારા સમાચાર છે. શરૂઆતમાં એક સર્વે કરવામાં આવ્યો ત્યારે આ દર 21 ટકા હતો, પરંતુ હવે તે 50 ટકા થઈ ગયો છે.