PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં ઇસ્કોનનાં શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદઘાટન કર્યું

PM Modi: વિશ્વભરમાં ફેલાયેલા ઇસ્કોનનાં અનુયાયીઓ ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિનાં દોરથી બંધાયેલા છે જે તેમને બધાને એકબીજા સાથે જોડાયેલા રાખે છે, જે દરેક ભક્તને 24 કલાક માર્ગદર્શન આપે છે, શ્રીલ પ્રભુપાદ સ્વામીનાં વિચારોનું સૂત્ર: પીએમ

by Akash Rajbhar
Prime Minister Shri Narendra Modi inaugurated ISKCON's Sri Sri Radha Madanmohanji Temple in Navi Mumbai

News Continuous Bureau | Mumbai 

  • ભારત ફક્ત ભૌગોલિક સીમાઓથી બંધાયેલ ભૂમિનો ટુકડો નથી, તે એક જીવંત ભૂમિ છે, એક જીવંત સંસ્કૃતિ છે, આ સંસ્કૃતિની ચેતના આધ્યાત્મિકતા છે, જો આપણે ભારતને સમજવા માંગતા હોઈએ, તો આપણે પહેલા આધ્યાત્મિકતાને આત્મસાત કરવી પડશે: પીએમ
  • આપણી આધ્યાત્મિક સંસ્કૃતિનો મુખ્ય પાયો સેવાની ભાવના છે: પીએમ

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી મુંબઈનાં ખારઘરમાં ઇસ્કોન પ્રોજેક્ટ શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિરનું ઉદઘાટન કર્યું હતું. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે આ પ્રકારની દિવ્ય વિધિમાં સહભાગી થવું એ તેમનું સદ્ભાગ્ય હોવાનું જણાવી શ્રીલ પ્રભુપાદ સ્વામીનાં આશીર્વાદ સાથે ઇસ્કોનનાં સંતોનાં અપાર સ્નેહ અને ઉષ્માનો સ્વીકાર કર્યો હતો. પ્રધાનમંત્રીએ તમામ પૂજ્ય સંતોનો આભાર માન્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શ્રી રાધા મદનમોહનજી મંદિર સંકુલની ડિઝાઇન અને વિભાવના પર પ્રકાશ પાડ્યો હતો, જે આધ્યાત્મિકતા અને જ્ઞાનની સંપૂર્ણ પરંપરાને પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ મંદિર ‘ઇકો અહમ બહુ સ્યામ’નો વિચાર વ્યક્ત કરીને દિવ્યતાનાં વિવિધ સ્વરૂપોનું પ્રદર્શન કરે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, નવી પેઢીનાં રસરુચિ અને આકર્ષણો પૂર્ણ કરવા માટે રામાયણ અને મહાભારત પર આધારિત સંગ્રહાલયનું નિર્માણ થઈ રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વૃંદાવનના 12 જંગલોથી પ્રેરાઈને એક બગીચો તૈયાર કરવામાં આવી રહ્યો છે. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, મંદિર સંકુલ આસ્થાની સાથે-સાથે ભારતની ચેતનાને સમૃદ્ધ કરતું પવિત્ર કેન્દ્ર બનશે. તેમણે આ ઉમદા પ્રયાસ માટે તમામ સંતો અને ઇસ્કોનનાં સભ્યો તથા મહારાષ્ટ્રનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં.

આ પ્રસંગે પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજની લાગણીસભર સ્મૃતિ વ્યક્ત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણ પ્રત્યેની તેમની ઊંડી ભક્તિના મૂળમાં રહેલી મહારાજની દ્રષ્ટિ અને આશીર્વાદ આ પ્રોજેક્ટનું અભિન્ન અંગ છે. તેમણે ઉમેર્યું હતું કે, મહારાજ શારીરિક રીતે હાજર ન હોવા છતાં તેમની આધ્યાત્મિક હાજરી સૌ કોઈને અનુભવાતી હતી. પ્રધાનમંત્રીએ મહારાજનાં સ્નેહ અને તેમના જીવનમાં રહેલી યાદોને વિશેષ સ્થાન આપ્યું હતું. તેમણે શ્રીલ પ્રભુપાદજીની 125મી જન્મજયંતિ દરમિયાન વિશ્વની સૌથી મોટી ગીતાનાં અનાવરણ માટે મહારાજ દ્વારા આમંત્રણ અને તેમનું માર્ગદર્શન પ્રાપ્ત કરવાનું યાદ કર્યું હતું. પ્રધાનમંત્રીએ મહારાજનાં અન્ય એક સ્વપ્નની અનુભૂતિ જોઈને સંતોષ વ્યક્ત કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો:Saif ali khan: સૈફ અલી ખાન પર અડધી રાત્રે થયો હુમલો, લીલાવતી હોસ્પિટલ માં દાખલ થયો અભિનેતા,જાણો શું છે સમગ્ર મામલો

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “વિશ્વભરમાં ઇસ્કોનનાં અનુયાયીઓ ભગવાન કૃષ્ણ પ્રત્યેની તેમની ભક્તિથી એક થયા છે.” શ્રી મોદીએ જણાવ્યું હતું કે અન્ય એક જોડતો દોરો શ્રીલ પ્રભુપાદ સ્વામીનો ઉપદેશ છે, જે 24/7 ભક્તોને માર્ગદર્શન આપે છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, શ્રીલ પ્રભુપાદ સ્વામીએ ભારતની આઝાદીની લડત દરમિયાન વેદો, વેદાંત અને ગીતાનાં મહત્ત્વને પ્રોત્સાહન આપ્યું હતું અને ભક્તિ વેદાંતને સામાન્ય લોકોની ચેતના સાથે જોડ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, 70 વર્ષની ઉંમરે જ્યારે મોટા ભાગનાં લોકો પોતાની ફરજ પૂરી થતી હોવાનું માને છે ત્યારે શ્રીલ પ્રભુપાદ સ્વામીએ ઇસ્કોન મિશનની શરૂઆત કરી હતી અને વિશ્વભ્રમણ કર્યું હતું અને ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશો ખૂણે ખૂણે પહોંચાડ્યો હતો. આજે વિશ્વભરમાં લાખો લોકો તેમનાં સમર્પણનો લાભ લે છે એ વાતનો ઉલ્લેખ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રીલા પ્રભુપાદ સ્વામીનાં સક્રિય પ્રયાસો આપણને સતત પ્રેરણા આપતા રહે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “ભારત અસાધારણ અને અદ્ભુત ભૂમિ છે, જે માત્ર ભૌગોલિક સરહદોથી બંધાયેલો જમીનનો ટુકડો જ નથી, પણ જીવંત ભૂમિ છે, જેમાં જીવંત સંસ્કૃતિ છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સંસ્કૃતિનો સાર આધ્યાત્મિકતા છે અને ભારતને સમજવા માટે સૌપ્રથમ વ્યક્તિએ આધ્યાત્મિકતાને અપનાવવી પડશે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, જે લોકો દુનિયાને માત્ર ભૌતિક દ્રષ્ટિકોણથી જુએ છે, તેઓ ભારતને વિવિધ ભાષાઓ અને પ્રાંતોના સંગ્રહ તરીકે જુએ છે. જોકે તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાનાં આત્માને આ સાંસ્કૃતિક ચેતના સાથે જોડે છે, ત્યારે તેઓ ખરા અર્થમાં ભારતને જુએ છે. તેમણે જણાવ્યું હતું કે, દૂર પૂર્વમાં બંગાળમાં ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો પ્રગટ થયા હતા, જ્યારે પશ્ચિમમાં નામદેવ, તુકારામ અને જ્ઞાનેશ્વર જેવા સંતો મહારાષ્ટ્રમાં પ્રગટ થયા હતા. શ્રી મોદીએ કહ્યું હતું કે, ચૈતન્ય મહાપ્રભુએ મહાવક્ય મંત્રને જનતા સુધી પહોંચાડ્યો હતો અને મહારાષ્ટ્રનાં સંતોએ ‘રામકૃષ્ણ હરિ’ મંત્ર મારફતે આધ્યાત્મિક અમૃત વહેંચ્યું હતું. તેમણે ઉમેર્યું કે સંત જ્ઞાનેશ્વરે જ્ઞાનેશ્વરી ગીતા દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના અગાધ જ્ઞાનને સુલભ બનાવ્યું છે. એ જ રીતે શ્રીલા પ્રભુપાદે ઇસ્કોન દ્વારા ગીતાને લોકપ્રિય બનાવી, ભાષ્યો પ્રકાશિત કર્યા અને લોકોને તેના સાર સાથે જોડ્યા. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, વિવિધ સ્થળોએ અને સમયમાં જન્મેલા આ સંતોએ પોતપોતાની આગવી રીતે કૃષ્ણભક્તિના પ્રવાહને આગળ વધાર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, તેમના જન્મના સમયગાળા, ભાષાઓ અને પદ્ધતિઓમાં તફાવત હોવા છતાં, તેમની સમજ, વિચારો અને ચેતના એક છે અને તે બધાએ ભક્તિના પ્રકાશથી સમાજમાં નવા જીવનને પ્રેરિત કર્યું છે, તેને નવી દિશા અને ઊર્જા આપી છે.

આ સમાચાર પણ વાંચો:Israel Hamas Ceasefire: 15 મહિના બાદ આવ્યો ઇઝરાયલ હમાસ યુદ્ધનો અંત, ટુંક સમયમાં જ મુક્ત થશે આટલા બંધકો..

ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિનો પાયો સેવા છે એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આધ્યાત્મિકતામાં ઈશ્વરની સેવા કરવી અને લોકોની સેવા કરવી એ એક થઈ જાય છે. તેમણે નોંધ્યું હતું કે, ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ પ્રેક્ટિશનર્સને સમાજ સાથે જોડે છે, કરુણાને પ્રોત્સાહન આપે છે અને તેમને સેવા તરફ દોરી જાય છે. શ્રી કૃષ્ણના એક શ્લોકને ટાંકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સાચી સેવા નિઃસ્વાર્થ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તમામ ધાર્મિક ગ્રંથો અને ધર્મગ્રંથો સેવાની ભાવનાથી જોડાયેલાં છે. તેમણે નોંધ્યું હતું કે, ઇસ્કોન એક વિશાળ સંસ્થા છે, જે સેવાની ભાવના સાથે કામ કરે છે, જે શિક્ષણ, સ્વાસ્થ્ય અને પર્યાવરણમાં પ્રદાન કરે છે. તેમણે નોંધ્યું હતું કે, ઇસ્કોન કુંભ મેળામાં નોંધપાત્ર સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ સંતોષ વ્યક્ત કર્યો હતો કે, સરકાર સેવાની સમાન ભાવના સાથે નાગરિકોનાં કલ્યાણ માટે સતત કામ કરી રહી છે. તેમણે નોંધ્યું હતું કે, દરેક ઘરમાં શૌચાલયોનું નિર્માણ, ઉજ્જવલા યોજના મારફતે ગરીબ મહિલાઓને ગેસનાં જોડાણો પ્રદાન કરવા, દરેક ઘરમાં નળનું પાણી સુનિશ્ચિત કરવું, દરેક ગરીબ વ્યક્તિને રૂ. 5 લાખ સુધીની નિઃશુલ્ક તબીબી સારવાર પ્રદાન કરવી, 70 વર્ષથી વધુ ઉંમરનાં દરેક વૃદ્ધ વ્યક્તિને આ સુવિધા પ્રદાન કરવી અને દરેક ઘરવિહોણા વ્યક્તિને પાકા મકાનો પૂરાં પાડવા એ આ સેવાની ભાવનાથી પ્રેરિત કામગીરી છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સેવાની આ ભાવના સાચો સામાજિક ન્યાય લાવે છે અને તે સાચા બિનસાંપ્રદાયિકતાનું પ્રતીક છે.

સરકાર ક્રિષ્ના સર્કિટ મારફતે સમગ્ર દેશમાં વિવિધ યાત્રાધામો અને ધાર્મિક સ્થળોને જોડી રહી છે એ બાબત પર ભાર મૂકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ સર્કિટ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને ઓડિશા સુધી વિસ્તરેલી છે. તેમણે ઉમેર્યું કે, આ સ્થળો સ્વદેશ દર્શન અને પ્રસાદ યોજનાઓ હેઠળ વિકસિત કરવામાં આવી રહ્યા છે. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ મંદિરોમાં ભગવાન શ્રીકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો પ્રદર્શિત થાય છે, જેમાં બાળસ્વરૂપથી માંડીને રાધા રાની સાથે તેમની પૂજા, કર્મયોગી સ્વરૂપ અને રાજા તરીકે તેમની પૂજા સામેલ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેનો ઉદ્દેશ ભગવાન શ્રીકૃષ્ણનાં જીવન સાથે સંબંધિત વિવિધ સ્થળો અને મંદિરોની મુલાકાત લેવાનું સરળ બનાવવાનો છે, આ ઉદ્દેશ માટે વિશેષ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ સૂચન કર્યું હતું કે, ઇસ્કોન કૃષ્ણ સર્કિટ સાથે જોડાયેલા આ આસ્થા કેન્દ્રોમાં શ્રદ્ધાળુઓને લાવવામાં મદદરૂપ થઈ શકે છે. તેમણે ઇસ્કોનને તેમના કેન્દ્રો સાથે સંકળાયેલા તમામ શ્રદ્ધાળુઓને ભારતમાં આવા ઓછામાં ઓછા પાંચ સ્થળોની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવા વિનંતી કરી હતી.

છેલ્લાં એક દાયકામાં દેશમાં વિકાસ અને વારસામાં એક સાથે પ્રગતિ થઈ છે એ વાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ઇસ્કોન જેવી સંસ્થાઓનાં વારસા મારફતે વિકાસનાં આ અભિયાનમાં નોંધપાત્ર પ્રદાન પર પ્રકાશ પાડ્યો હતો. પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, મંદિરો અને ધાર્મિક સ્થળો સદીઓથી સામાજિક ચેતનાનાં કેન્દ્રો રહ્યાં છે તથા ગુરુકુળોએ શિક્ષણ અને કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇસ્કોન યુવાનોને તેના કાર્યક્રમો મારફતે આધ્યાત્મિકતાને તેમનાં જીવનનો હિસ્સો બનાવવા માટે પ્રેરિત કરે છે. પ્રધાનમંત્રીએ ઇસ્કોનનાં યુવાન વ્યાવસાયિકો કેવી રીતે આધુનિક ટેકનોલોજીને અપનાવે છે અને સાથે-સાથે તેમનાં ઇન્ફોર્મેશન નેટવર્કને અન્યો માટે આદર્શ બનાવે છે એ બાબત પર પણ ટિપ્પણી કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઇસ્કોનનાં માર્ગદર્શન હેઠળ યુવાનો સેવા અને સમર્પણની ભાવના સાથે રાષ્ટ્રહિત માટે કામ કરશે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, મંદિર સંકુલમાં સ્થપાયેલી ભક્તિવેદાંત આયુર્વેદિક ચિકિત્સા કેન્દ્ર અને વૈદિક શિક્ષણ માટેની ભક્તિવેદાંત કોલેજથી સમાજ અને સમગ્ર દેશને લાભ થશે. તેમણે ‘હીલ ઇન ઇન્ડિયા’ની હાકલ પર પણ ભાર મૂક્યો હતો.

શ્રી મોદીએ નોંધ્યું હતું કે, જેમ જેમ સમાજ વધારે આધુનિક બનતો જાય છે, તેમ તેમ તેને વધારે કરુણા અને સંવેદનશીલતાની પણ જરૂર છે. તેમણે સંવેદનશીલ વ્યક્તિઓના સમાજની રચના કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જે માનવીય ગુણો અને પોતાનાપણાની ભાવના સાથે આગળ વધે છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ઇસ્કોન તેની ભક્તિ વેદાન્ત મારફતે વૈશ્વિક સંવેદનશીલતામાં નવું જીવન ફૂંકી શકે છે અને દુનિયાભરમાં માનવીય મૂલ્યોનું વિસ્તરણ કરી શકે છે. પોતાનાં સંબોધનનાં સમાપનમાં પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ઇસ્કોનનાં નેતાઓ શ્રીલા પ્રભુપાદ સ્વામીનાં આદર્શોને જાળવી રાખશે. તેમણે રાધા મદનમોહનજી મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે ફરી એકવાર સમગ્ર ઇસ્કોન પરિવાર અને તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે મહારાષ્ટ્રનાં રાજ્યપાલ શ્રી સી. પી. રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રનાં નાયબ મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પાશ્વ ભાગ

નવી મુંબઈનાં ખારઘરમાં ઇસ્કોન પ્રોજેક્ટ શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિર નવ એકરમાં ફેલાયેલું છે, જેમાં અનેક દેવી-દેવતાઓ સાથેનું એક મંદિર, વૈદિક શિક્ષણ કેન્દ્ર, સૂચિત સંગ્રહાલયો અને ઓડિટોરિયમ, હીલિંગ સેન્ટર વગેરેનો સમાવેશ થાય છે. તેનો ઉદ્દેશ વૈદિક ઉપદેશો મારફતે વૈશ્વિક બંધુત્વ, શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપવાનો છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More