News Continuous Bureau | Mumbai
સ્ટોરી મુંબઈ મહાનગરપાલિકાના BEST પતપેઢીની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે, જેણે રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. આ ચૂંટણીમાં ‘ઠાકરે બ્રાન્ડ’નું ગઠબંધન સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું. શશાંક રાવના પેનલે 21માંથી 14 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે મહાયુતિના ‘સહકાર સમૃદ્ધિ પેનલ’ને 7 બેઠકો મળી છે. બીજી તરફ, પહેલીવાર એકસાથે ચૂંટણી લડી રહેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના પક્ષોને એક પણ બેઠક મળી નથી, જેના કારણે તેમને મોટો આંચકો લાગ્યો છે.
ચૂંટણીમાં ‘ઠાકરે બ્રાન્ડ’નો થયો કારમો પરાજય
આ ચૂંટણી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે જૂથ) ના વડા ઉદ્ધવ ઠાકરેના એકસાથે આવવાને કારણે ચર્ચાનો વિષય બની હતી. ચૂંટણી પહેલા ‘ઠાકરે બ્રાન્ડ’ના નામે ભારે પ્રચાર કરવામાં આવ્યો હતો, પરંતુ પરિણામો ચોંકાવનારા રહ્યા. 21 બેઠકો માટે થયેલી આ ચૂંટણીમાં ઠાકરે ગઠબંધનના તમામ ઉમેદવારો હારી ગયા. પરિણામો વહેલી સવારે જાહેર થયા, અને ઠાકરે જૂથને એક પણ બેઠક મળી શકી નહીં. આ પરિણામોને આગામી BMC (બૃહન્મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી પહેલા એક મોટો સંકેત માનવામાં આવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Online Land Purchase: હવે મિનિટોમાં જ મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખરીદી શકાશે જમીન, જાણો કેવી રીતે?
સેનાભવન બહાર બીજેપીની બેનરબાજી
બેસ્ટ પતપેઢીની ચૂંટણીમાં ઠાકરે બંધુઓના પરાજય બાદ બીજેપીએ ઠાકરે જૂથને નિશાન બનાવ્યું છે. દાદરમાં શિવસેનાના મુખ્ય કાર્યાલય ‘સેનાભવન’ની બહાર બીજેપીએ બેનરબાજી કરી. આ બેનરો પર લખવામાં આવ્યું છે કે, “ઠાકરે બ્રાન્ડ કોમામાં, જ્યારે સ્વદેશી ‘દેવાભાઉ’ જોમમાં.” આ બેનરો દ્વારા બીજેપીએ ફક્ત ઉદ્ધવ ઠાકરેને નિશાન બનાવ્યા નું સ્પષ્ટ દેખાય છે, કારણ કે આ બેનરો પર રાજ ઠાકરેનો ફોટો લગાવવામાં આવ્યો નથી. આ ઘટના રાજકારણમાં નવી ચર્ચા જગાવી રહી છે કે આ પરાજયનો દોષ કોના પર ઢોળવામાં આવી રહ્યો છે.