ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 જૂન 2021
બુધવાર
મુંબઈમાં લૉકડાઉનને પગલે લોકલ ટ્રેનની સેવા સામાન્ય નાગરિકો માટે બંધ છે. એથી ઑફિસે જનારા લાખો મુંબઈગરાને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એમાં પાછું પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવને પગલે ખાનગી વાહનમાં ઑફિસ જવું પરવડતું નથી. ત્યારે રેપિડો નામની એક ખાનગી કંપની આગળ આવી છે. મુંબઈ સહિત મુંબઈ મેટ્રોપોલિટન રિજન વિસ્તારમાં એટલે કે મુંબઈની આજુબાજુનાં શહેરોમાં બાઇક ટૅક્સી દોડાવાની તેણે તૈયારી દર્શાવી છે.
રેપિડો નામની ખાનગી બાઇક કંપનીએ મહારાષ્ટ્ર સરકાર પાસે રાજ્યનાં મુખ્ય શહેરોમાં બાઇક ટૅક્સી દોડાવાની મંજૂરી માગી છે. મુંબઈ સહિત નાશિક અને પુણેમાં તેણે આ સેવા ચાલુ કરવાની મંજૂરી માગી છે. સરકારે જોકે આ બાબતે હજી કોઈ નિર્ણય લીધો નથી.
અહીં ઉલ્લેખનીય છે કે હાલ દેશમાં 100થી વધુ શહેરોમાં બાઇક ટૅક્સી સર્વિસ ઉપલબ્ધ છે. અન્ય શહેરોમાં લોકો તરફથી સારો રિસ્પૉન્સ મળ્યો છે. મુંબઈમાં પણ બાઇક ટૅક્સી સેવા ચાલુ કરવામાં આવી હતી. જોકે રિજનલ ટ્રાન્સપૉર્ટ ઑથૉરિટીની મંજૂરી વગર આ સર્વિસ ચાલુ કરવા બદલ કંપની સામે ગુનો નોંધાયો હતો. એથી કંપનીને બાઇક સેવા બંધ કરવી પડી હતી.